Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આજે 14માં દિવસમાં પ્રવેશી ગયું છે. યુદ્ધને 300 કલાકથી વધુ સમય થઈ ગયો છે. રશિયાને રોકવા માટે દુનિયાભરના દેશો તમામ પ્રકારના પ્રતિબંધો લાદી રહ્યા છે, પરંતુ રશિયા પર તેની કોઈ અસર થાય તેવું લાગતું નથી. તે યુક્રેનના શહેરો પર સતત બોમ્બ અને મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ખારકિવ બાદ યુક્રેનની રાજધાની કિવ પણ ખંડેરમાં ફેરવાઈ રહી છે. આવી જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે. મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.
કિવ ખરાબ સ્થિતિમાં
કિવ યુક્રેનની રાજધાની છે. 23 ફેબ્રુઆરી સુધી આ શહેર તેના વિકાસ અને સુંદરતા માટે પ્રખ્યાત હતું, પરંતુ રશિયન સૈનિકોના હુમલા, સતત બોમ્બમારાને કારણે અહીં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. શહેરની ઘણી જાણીતી અને મહત્વની ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈને ખંડેર બની ગઈ છે. હજારો મકાનો ધરાશાયી થયા છે. ફ્લાયઓવરથી લઈને મહત્વના રસ્તાઓ તૂટી ગયા છે. લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે. શહેરમાંથી લાખો લોકોનું સ્થળાંતર થયું છે.
આ શહેરો ખંડેર બની રહ્યા છે
કિવ સિવાય રશિયન સૈનિકોએ યુક્રેનના અન્ય કેટલાક શહેરોને ખંડેર બનાવી દીધા છે. જે શહેરોને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં ખારકિવ, બુકા અને ઇરપિનનો સમાવેશ થાય છે. અહીંની ઘણી ઈમારતો સંપૂર્ણપણે ખંડેર થઈ ગઈ છે. મોટાભાગના લોકો અહીંથી ચાલ્યા ગયા છે. બાળકોમાં ભયમાં છે. ખારકિવના ફ્રીડમ સ્ક્વેરને જોઈને જ ખંડેરનો અંદાજ લગાવી શકાય છે.
રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખારકિવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાએ બુધવારે સવારે યુક્રેનમાં નાગરિકોને સલામત રીતે બહાર જવા માટે માનવતાવાદી વલણ અપનાવતાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.