Russia-Ukraine War: એકવાર ફરી યુક્રેને રશિયાના પાંચ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. અહી 10 થી 20 ડ્રોનની મદદથી એક સાથે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણવામાં આવી રહ્યો છે.
આ સ્થળો પર કરાયો હુમલો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર ડ્રોન વડે રશિયન પ્રદેશોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ડ્રોનથી પશ્ચિમી પસ્કોવ ક્ષેત્રમાં એક એર બેઝ પર હુમલો કરાયો હતો. તે સિવાય ઓર્યોલ , બ્રાંન્સ્ક, રિયાઝાન અને કલુગાના પ્રદેશોમાં પણ ફાયરિગ કરવામાં આવ્યું છે. આ હુમલાને 18 મહિનામાં રશિયાની ધરતી પરનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો છે.
બે લશ્કરી પરિવહન વિમાનને નુકસાન થયું
પશ્ચિમી રશિયન શહેર પસ્કોવના એરપોર્ટ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બે સૈન્ય પરિવહન વિમાનોને નુકસાન થયું હતું. અહેવાલ મુજબ, પસ્કોવ જે યુક્રેનની સરહદથી લગભગ 800 કિમી દૂર સ્થિત છે. આ હુમલો બુધવારે વહેલી સવારે કરાયો હતો જેમાં ચાર IL-76 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને નુકસાન થયું હતું. લાંબા સમયથી રશિયન આર્મી આ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે
સ્થાનિક ગવર્નરે બુધવારે કહ્યું હતું કે સેના હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ હુમલામાં પરિવહન વિમાન ખરાબ રીતે નાશ પામ્યું હતું. તેણે એક વીડિયો પણ અપલોડ કર્યો છે જેમાં ભીષણ આગ દેખાઈ રહી છે. આ સિવાય વિસ્ફોટનો અવાજ પણ સંભળાય છે.
યુક્રેનનું મૌન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયામાં થયેલા હુમલાઓ વિશે યુક્રેને કંઈ કહ્યું નથી કે આ હુમલો તેણે કર્યો છે કે નહીં. આ હુમલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તાજેતરના અઠવાડિયામાં યુક્રેને રશિયા પર હુમલો કરવા માટે વિસ્ફોટક ડ્રોનનો ઉપયોગ વધાર્યો છે.
રશિયાના ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે મોસ્કોનું વનુકોવો એરપોર્ટ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે 10 થી 20 ડ્રોને પસ્કોવ એરફિલ્ડ પર હુમલો કર્યો હતો, જેનો રશિયન સેનાએ જવાબ આપ્યો હતો.