Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 19મો દિવસ છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ હવે પોતાની રણનીતિ બદલી છે. રશિયાએ હવે અલગ-અલગ વિસ્તારોમાં જોરદાર હુમલા શરૂ કરી દીધા છે. કિવ સહિત ઘણા શહેરોને કોર્ડન કરવામાં આવ્યા છે. આ રશિયાની મિસાઈલ શક્તિ સામે યુક્રેન દમ તોડી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર છેલ્લા 18 દિવસમાં 800થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વાટાઘાટો માટે સહમત થયા છે. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે 10.30 કલાકે બંને દેશો વચ્ચે વીડિયો લિંક દ્વારા વાતચીત થશે. યુક્રેનિયન ડેલિગેશનને ટાંકીને આ અહેવાલ આપવામાં આવ્યો છે.
યુદ્ધમાં અમેરિકન પત્રકારનું મોત, રશિયન સૈનિકોના ગોળીબારમાં થયું મોત
કિવના ઉત્તર-પશ્ચિમ ઉપનગર ઇરપિનમાં રવિવારે એક અમેરિકન પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક ઘાયલ થયો હતો. સ્થાનિક અધિકારીઓનો આરોપ છે કે રશિયન સૈનિકોએ કિવ નજીક પત્રકારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં અમેરિકન ફિલ્મ નિર્માતા બ્રેન્ટ રેનાઉડની હત્યા કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, બ્રેન્ટ રેનોડ ઇર્પેનમાં સરહદ પાર કરી રહેલા શરણાર્થીઓનું શૂટિંગ કરી રહ્યા હતા. દરમિયાન, રશિયન સૈનિકોએ વાન પર ગોળીબાર કર્યો, જેમાં તેમની સાથે અન્ય વિદેશી પ્રેસ પણ હતા. બચી ગયેલા અન્ય અમેરિકન પત્રકારે કહ્યું કે બ્રેન્ટને ગરદનમાં ગોળી વાગી હતી.
ન્યૂ યોર્ક ટાઇમ્સ મળ્યો બેજ
યુક્રેનિયન પોલીસે તેમના મૃત્યુની જાણ કરતાં જણાવ્યું હતું કે, બ્રેન્ટ રશિયન સૈનિકની નિષ્ઠુરતા બતાવતા હતા. જેની કિંમત જીવ ગુમાવીને ચુકવી હતી. બ્રેન્ટ નજીક ન્યૂયોર્ક ટાઈમ્સનો બેજ મળ્યો. જો કે, ન્યૂયોર્ક ટાઈમ્સે આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે બેન્ટર યુક્રેનમાં ન્યૂયોર્ક ટાઈમ્સ માટે અસાઇનમેન્ટ પર નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સે બહાર પાડ્યું નિવેદન
ન્યૂ યોર્ક ટાઇમ્સના મેનેજિંગ એડિટર ક્લિફ લેવીએ ટ્વિટ કર્યું: "ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ યુક્રેનમાં અમેરિકન પત્રકાર બ્રેન્ટ રેનોડના મૃત્યુ વિશે જાણીને ખૂબ જ દુઃખી છે. બ્રેન્ટ પ્રતિભાશાળી ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા હતા, પરંતુ તે યુક્રેનમાં ન્યુયોર્ક ટાઈમ્સ માટે અસાઇનમેન્ટ પર ન હતા."