Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના બધી રીતે યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયા તેની પાસે રહેલા આધુનિક હથિયારો, બોમ્બ, મિસાઈલનો ઉપયોગ કરીને યુક્રેનને હંફાવી રહ્યું છે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં એક બિલ્ડીંગ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુક્રેનના ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં યુક્રેનના ગૃહમંત્રાલયે રશિયાએ કરેલા હુમલાની તુલના એમેરિકામાં થયેલા 9/11ના હુમલા સાથે કરી હતી. 


અમેરિકાના ટ્વીન ટાવર જેવી હાલતઃ


અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર પર આતંકવાદીઓએ હુમલો કરીને ટાવરને તોડી પાડ્યા હતા. કીવમાં આવેલી આવી જ એક ઈમારત પર રશિયાએ હુમલો કરતાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર જેવી હાલત હોય તેવા ફોટો યુક્રેનના ગૃહમંત્રાલયે પોસ્ટ કર્યા છે. યુક્રેનના કીવમાં એક બિલ્ડીંગ પર રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે, બિલ્ડીંગને ભારે નુકસાન થયું હતું અને તેમાંથી આગની જ્વાળાઓ નિકળવા લાગી હતી. આ બિલ્ડીંગના ફોટો શેર કરતાં યુક્રેનના ગૃહમંત્રાલયે રશિયાના આ હુમલાની તુલના 9/11 સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ રશિયા પોતાની પુરી તાકાતથી યુક્રેનન પર હુમલો કરી રહ્યું છે અને રશિયા આવનારા સમયમાં યુક્રેન પર મિસાઈલ હુમલા વધારે એવા મીડિયા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે. 




 


રશિયાનો યુક્રેન પર ક્રુઝ મિસાઈલથી હુમલોઃ


એસોસિએટેડ પ્રેસના એક રિપોર્ટ અનુસાર રશિયન સેનાએ શનિવારે કહ્યું હતું કે, યુક્રેનના સૈન્ય ઠેકાણા પર ક્રુઝ મિસાઈલથી હુમલો કરાયો હતો. રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેનકોવે કહ્યું હતું કે, તેમની સેનાએ લાંબા અંતરથી દુશ્મન પર હુમલો કરવા સક્ષમ ક્રુઝ મિસાઈલો વડે યુક્રેનના સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ગુરુવારતી રશિયાએ ચાલુ કરેલા આ યુદ્ધમાં રશિયન સેનાએ યુક્રેનના 821 સૈન્ય સ્થળોને પોતના નિશાના પર લીધાં છે. જેમાં 14 એરપોર્ટ, 19 આર્મી કમાન્ડ સેન્ટરનો પણ સમામવેશ થાય છે. આ સાથે રશિયાએ 24 વાયુ રક્ષા મિસાઈલ સિસ્ટમ સહિત ઘણા ડ્રોન અને ટેન્કો પણ તબાહ કરી છે.