Russia Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધનો આજે 12મો દિવસ છે. રશિયા તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જો કે યુક્રેનના ચાર શહેરોમાં યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. જે શહેરોમાં યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે તેમાં કિવ, ખારકિવ, સુમી અને માર્યુપોલનો સમાવેશ થાય છે. બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.  


 






તાજેતરમાં કિવમાં સૈનિકોના ગોળીબારમાં ઘાયલ થયેલો ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહ ટૂંક સમયમાં ભારત પરત ફરશે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે ટ્વીટ કર્યું કે ગોળી વાગ્યા બાદ હરજોતનો પાસપોર્ટ પણ ખોવાઈ ગયો. જો કે તે મંગળવારે ભારત પરત ફરશે.


અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયા કિવને કબજે કરવા માટે સીરિયન લડવૈયાઓની ટુકડીને લેન્ડ કરી શકે છે. હકીકતમાં, આ સીરિયન લડવૈયાઓને શહેરી વિસ્તારોમાં લડાઇ માટે તાલીમ આપવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયા દ્વારા કેટલા લડવૈયાઓ મોકલવામાં આવશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી, પરંતુ ઘણા સીરિયન લડવૈયાઓ યુક્રેનમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે.


યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું 8 ક્રૂઝ મિસાઈલો એ વિનિત્સિયા શહેરને નિશાન બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે વિનિત્સિયા એરપોર્ટ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર પશ્ચિમી સહયોગીઓને નો-ફ્લાય ઝોન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, "અમારા લોકોની સુરક્ષા કરવી તમારી ફરજ છે, અથવા ઓછામાં ઓછું અમને પ્લેન આપો. જો તમે નહીં કરો, તો અમે નિષ્કર્ષ પર આવીશું કે તમે ઈચ્છો છો કે અમે ધીમે-ધીમે મરી જઈએ. વિનિત્સિયા પશ્ચિમ-મધ્ય યુક્રેનમાં સ્થિત એક શહેર છે અને યુક્રેનની રાજધાની કિવથી આશરે 160 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે.


અગાઉ રવિવારે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયન દળો કાળા સમુદ્રના કિનારે આવેલા ઐતિહાસિક બંદર શહેર ઓડેસા પર ગોળીબાર કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેણે એક વીડિયોમાં દાવો કર્યો હતો કે, "તેઓ ઓડેસા પર બોમ્બ મારવાની તૈયારી કરી રહ્યા છે.