Ukraine Russia War: યૂક્રેન (Ukraine) ના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી (Volodymyr Zelensky) નું કહેવું ચે કે 8 ક્રૂઝ મિસાઈલો  (cruise missiles) એ વિનિત્સિયા   (Vinnytsia) શહેરને નિશાન બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે વિનિત્સિયા એરપોર્ટ સંપૂર્ણ નષ્ટ થઈ  ગયું છે.


રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર પશ્ચિમી સહયોગીઓને નો-ફ્લાય ઝોન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, "અમારા લોકોની સુરક્ષા કરવી તમારી ફરજ છે, અથવા ઓછામાં ઓછું અમને  પ્લેન આપો. જો તમે નહીં કરો, તો અમે નિષ્કર્ષ પર આવીશું કે તમે ઈચ્છો છો કે અમે ધીમે-ધીમે મરી જઈએ.


વિનિત્સિયા પશ્ચિમ-મધ્ય યુક્રેનમાં સ્થિત એક શહેર છે અને યુક્રેનની રાજધાની કિવથી આશરે 160 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે.


ઝેલેન્સકી દાવો કરે છે કે ઓડેસા પર રશિયન દ્વારા હુમલો કરવામાં આવી શકે છે


અગાઉ રવિવારે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયન દળો કાળા સમુદ્રના કિનારે આવેલા ઐતિહાસિક બંદર શહેર ઓડેસા પર ગોળીબાર કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેણે એક વીડિયોમાં દાવો કર્યો હતો કે, "તેઓ ઓડેસા પર બોમ્બ મારવાની તૈયારી કરી રહ્યા છે. 


રુસો-યુક્રેન યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ છે. બેલારુસના રશિયન દળો પણ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરપૂર્વમાં રાજધાની કિવ તરફ આગળ વધ્યા, જ્યારે અન્ય જૂથે ઉત્તરીય શહેર ખાર્કિવ પર બોમ્બમારો કર્યો. યુક્રેનના કેટલાંક શહેરો પર બોમ્બ ધડાકા અને તોપમારો કરવામાં આવ્યો છે અને યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે લડાઈએ એક મિલિયનથી વધુ નાગરિકોને બેઘર કર્યા છે.


રશિયન સેનાએ કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે અને રાજધાનીના નિયંત્રણ માટેની લડાઈ આ યુદ્ધનો અંતિમ પડાવ હશે. કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરોમાં રશિયન સૈનિકો હાજર છે. રશિયન સૈન્ય કાં તો શહેરો પર નિયંત્રણ લઈ રહ્યું છે અથવા તેનો નાશ કરી રહ્યું છે. કિવની શેરીઓમાં હજી સુધી કોઈ રશિયન ટેન્ક નથી, પરંતુ રશિયન ટેન્ક, રોકેટ અને મિસાઈલોએ યુક્રેનના ઘણા શહેરોમાં મોટા પ્રમાણમાં વિનાશ કર્યો છે.


નિષ્ણાતો માને છે કે જો કિવ પર કબજો નહીં થાય તો યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. બીજી તરફ, શનિવારે યુક્રેનના ચેર્નિહાઇવ અને સુમી શહેરમાં એર સ્ટ્રાઇકનું એલર્ટ જારી કરાયા બાદ આ શહેરોમાં ગભરાટનો માહોલ છે. રહેવાસીઓને નજીકના આશ્રયસ્થાનોમાં જવાની ચેતવણી આપવામાં આવી છે.