Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે રશિયાએ યુક્રેન પર વેક્યુમ બોમ્બ ફેંક્યો હોવાનો દાવો યુક્રેને કર્યો છે. યુક્રેનના રાજદૂત ઓકસાના માર્કારોવે નિવેદન આપતાં જણાવ્યું કે, રશિયાએ પ્રતિબંધિત થર્મોબૈરિક હથિયારનો ઉપયોગ કર્યો છે. આ થર્મોબૈરિક હથિયારોમાં પરંપરાગત દારુગોળાનો ઉપયોગ નથી થતો પણ તેમાં ઉંચા દબાણવાળા વિસ્ફોટકો ભરેલા હોય છે.
વેક્યુમ બોમ્બ કેમ ખતરનાકઃ
આ થર્મોબૈરિક હથિયારની ગણતરી દુનિયાના સૌથી ઘાતક પરમાણુ હથિયારોમાં થાય છે. રશિયાએ 2007માં આવા પ્રકારના બોમ્બ બનાવ્યા હતા. આ બોમ્બને ફ્યુલ એર એક્સપ્લોઝિવ પણ કહેવામાં આવે છે. ફ્યુલ એર એક્સપ્લોઝિવ (Fuel Air Explosive) એટલે કે હવામાં બળતણ વડે થતો ધડાકો. વેક્યુમ બોમ્બ એ થર્મોબેરિક હથિયાર છે. હ્યુમન રાઇટ્સ વોચના 2000ના અહેવાલમાં રશિયન લશ્કરી વૈજ્ઞાનિકના હવાલાથી કહેવાયું હતું કે, આ બોમ્બ પરમાણુ હથિયારો જેવી વિનાશક ક્ષમતા ધરાવે છે. આ બોમ્બ ફુટતાં જ હવામાં રહેલો ઓક્સિજન શોષાઈ જાય છે તેથી જ તેને વેક્યુમ બોમ્બ કહેવાય છે.
કઈ રીતે કામ કરે છે વેક્યુમ બોમ્બઃ
આ ફ્યુલ એર એક્સપ્લોઝિવ (FAE) પ્રકારના વેક્યુમ બોમ્બમાં બળતણ ભરેલું એક કંટેનર હોય છે અને બે વિસ્ફોટક ચાર્જ હોય છે. આ બોમ્બને ઉપરથી ફેંકવામાં આવે છે ત્યારે એક ઉંચાઈ પર બોમ્બ હોય ત્યારે પહેલું વિસ્ફોટક ચાર્જ બળતણ ભરેલા કંટેનરને ખોલે છે જેથી બળતણનું એક વાદળ બની જાય છે અને તે હવામાં ફેલાઈ જાય છે. ત્યાર બાદ બીજું ફિસ્ફોટક ચાર્જ આ બળતણના વાદળને સળગાવે છે અને ધડાકો થાય છે. ધડાકો થતાં જ હવામાં રહેલો ઓક્સિજન શોષાઈ જાય છે. જે વિસ્તારમાં આ વેક્યુમ બોમ્બ ફુટે છે ત્યાં ઓક્સિજનના શોષાઈ જવાની સાથે અલ્ટ્રાસોનિક શોકવેવ પણ નીકળે છે અને તબાહી સર્જાય છે.
રશિયાએ 2007માં બનાવેલા આ બોમ્બનું વજન 7100 કિલોનું છે અને તે જ્યાં ફુટે છે ત્યા રસ્તામાં આવનારી બધી ઈમારતો અને માણસોને તબાહ કરે છે. પોટ્સમાઉથ યુનિવર્સિટીના પીટર લીએ જણાવ્યા મુજબ રશિયાએ આ બોમ્બનો ઉપયોગ 2016માં સીરિયા પર કર્યો હતો. આ એક ખતરનાક બોમ્બ છે. આ બોમ્બ 44 ટન TNTની તાકાતવાળો ધમાકો કરી શકે છે.