Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 35 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સાથે જ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે પણ વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાએ રશિયામાં રહેતા પોતાના નાગરિકોને મોટી ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે રશિયા તેને કસ્ટડીમાં લઈ શકે છે.


રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. ગઈકાલે તુર્કીમાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. રશિયાએ પોતાની સેના ઘટાડવાનો સંકેત આપ્યો છે. તુર્કીના ઈસ્તાંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ સામસામે બેઠા ત્યારે વાતાવરણ ગરમાયું હતું, બંને દેશોએ આ બેઠકને લઈને કોઈ ઉષ્મા દાખવી ન હતી, હાથ પણ મિલાવ્યા ન હતા. પરંતુ કેટલાક કલાકોના મંથન પછી જે પરિણામો આવ્યા તેનાથી વિશ્વએ રાહતનો શ્વાસ લીધો. યુદ્ધના મેદાનમાંથી વાટાઘાટોના ટેબલ પર આવેલા યુક્રેને રશિયાને પ્રસ્તાવ મૂક્યો.



  • સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો તટસ્થ રહેશે

  • કોઈપણ સૈન્ય જોડાણમાં જોડાશે નહીં

  • આપણી ધરતી પર વિદેશી આર્મી બેઝ બનાવવા નહીં દઈએ

  • પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરશે નહીં

  • ડોનબાસ અને ક્રિમીઆનો દાવો કરશે નહીં

  • રશિયા યુક્રેનના યુરોપિયન યુનિયનમાં સામેલ થવાનો પણ વિરોધ કરશે નહીં






રશિયા-યુક્રેનની અસર હીરા ઉદ્યોગ પર


ભાવનગરમાં ૧લી એપ્રિલથી હીરાના કારખાનાઓને ૧૫ દિવસ માટે તાળા મારી દેવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાના ઘટેલા ભાવ અને ચીન-હોંગકોંગમાં કોરોનાના ઉથલા બાદ લોકડાઉનની સ્થિતિ ઉભી થતાં ખરીદી-લેવાલી અટકી પડતા હીરાના કારખાનેદારો ચિંતામાં મુકાયા છે. આ કારણથી ૧૫ દિવસ સ્વૈચ્છિક વેકેશન પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.


શહેરની નિર્મળનગર હીરા બજારમાં 400 થી 500 જેટલા કારખાનેદારો મિટીંગ યોજી નિર્ણય લીધો. હીરા બજારમાં વેકેશનની જાહેરાતના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની ચિંતા બે ગણી વધી છે.