વર્તમાન સમયમાં તોપો, ટેન્ક, મિસાઈલ, ફાઈટર પ્લેન, સબમરીન, યુદ્ધ જહાજ વગેરે એ દુશ્મનને ડરાવવા અને પોતાની તાકાત બતાવવાના એકમાત્ર હથિયાર નથી રહી ગયા. અનાજ પણ એક મહાન શસ્ત્ર બની ગયું છે. આજે ભૌગોલિક રાજનીતિનું એક મોટું સાધન ખોરાક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કો હવે ઘઉંનો ઉપયોગ હથિયાર તરીકે કરવા જઈ રહ્યું છે, જેની ઝાળ દુનિયા આખી દઝાડશે. રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંની નિકાસ કરતો દેશ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાથી જ વૈશ્વિક ખાદ્ય પુરવઠાને અવરોધ ઉભો કરી ચૂક્યું છે. ગત વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને હવે રશિયા જે રીતે ઘઉંની નિકાસ પર સરકારી નિયંત્રણો વધારી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
રશિયા માત્ર સરકારી કંપનીઓ અથવા તેની સ્થાનિક કંપનીઓને ઘઉંની નિકાસમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તે નિકાસનો વધુ અસરકારક રીતે હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. દરમિયાન, બે મોટા આંતરરાષ્ટ્રીય વેપારીઓ રશિયામાં નિકાસ માટે ઘઉં ખરીદવાનું બંધ કરવા જઈ રહ્યા છે, ત્યાર બાદ વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર રશિયાની પકડ વધુ મજબૂત બનશે.
બે મોટા આંતરરાષ્ટ્રીય વેપારીઓએ રશિયા છોડવાની કરી જાહેરાત
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કારગિલ ઇન્ક અને વિટેરાએ રશિયામાંથી ઘઉંની નિકાસ બંધ કરવાની જાહેરાત કરી છે. ગત સિઝનમાં રશિયાની કુલ અનાજની નિકાસમાં તેનો હિસ્સો 14 ટકા હતો. તેમના જવાથી વિશ્વના સૌથી મોટા ઘઉંના નિકાસકાર દ્વારા વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર રશિયાની પકડ વધુ મજબૂત થશે. આ ઉપરાંત આર્ચર-ડેનિયલ મિડલેન્ડ કંપની પણ રશિયામાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાનું વિચારી રહી છે. લુઈસ ડ્રેફસ પણ રશિયામાં તેની ગતિવિધિઓ ઘટાડવા વિચારી રહી છે. ઘઉંની નવી સિઝન શરૂ થઈ ગઈ છે. 15 મેથી રશિયા ઘઉંના નવા પાકની નિકાસ શરૂ કરશે. હવે, આંતરરાષ્ટ્રીય વેપારીઓ પાછળ હટવાથી રશિયન ઘઉંની નિકાસમાં સરકાર અને સ્થાનિક કંપનીઓનું જ પ્રભુત્વ રહેશે. જે ભૌગોલિક રાજનીતિ માટે વધુ અસરકારક રીતે તેનો ઉપયોગ કરી શકશે. તે કિંમતોને પ્રભાવિત કરવાની સ્થિતિમાં પણ હશે. મધ્ય પૂર્વ અને આફ્રિકન દેશો રશિયન ઘઉંના મુખ્ય ખરીદદારો છે.
રશિયા ઘઉંની નિકાસનો હથિયાર તરીકે કરી શકે છે ઉપયોગ
રશિયા હવે ઘઉંની નિકાસ માટે સરકાર ટુ ગવર્નમેન્ટ ડીલ માટે દબાણ કરી રહ્યું છે. સરકારી માલિકીની OZKએ તુર્કી સાથે ઘઉંના વેચાણના ઘણા કરારો કર્યા છે. તેણે ગયા વર્ષે કહ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય વેપારીઓથી છૂટકારો મેળવવા માંગે છે અને સીધા દેશોમાં નિકાસ કરવા માટે કામ કરી રહી છે. ઘઉંનો હથિયાર તરીકે ઉપયોગ કરીને રશિયા તેની પસંદગીના દેશોમાં જ તેની નિકાસ કરશે. તેનાથી માત્ર ફૂડ સપ્લાય ચેનને તો અસર થશે જ પરંતુ સાથો સાથ ગયા વર્ષની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં પણ ભારે વધારો થઈ શકે છે.
રશિયાના ઘઉંના હથિયારની દુનિયા પર અસર પડી શકે છે
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગયા વર્ષે વિશ્વભરમાં ઘઉં અને લોટના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ઘણા દેશો ખાદ્ય સંકટના આરે ઉભેલા છે, જ્યારે ઘણી જગ્યાએ ખાદ્ય ચીજોની મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. ગત વર્ષે ભારતમાં પણ ઘઉં અને લોટના ભાવમાં તીવ્ર વધારો થયો હતો, ત્યારબાદ સરકારે ઘઉંની નિકાસ બંધ કરી દીધી હતી. ભારત પોતે ખાદ્યાન્નનો મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ જે દેશો તેમની ખાદ્યાન્ન જરૂરિયાતો માટે આયાત પર ભારે નિર્ભર છે તેઓને ગંભીર અસર થઈ શકે છે. વિશ્વમાં ઘઉં અને લોટના ભાવમાં ઝડપથી વધારો થવાની ભીતિ પણ ફરી એકવાર વધી ગઈ છે.
ખાદ્ય યુદ્ધ વિશ્વ માટે ખતરાની નિશાની
ખોરાકનો હથિયાર તરીકે ઉપયોગ કરવો એ દુનિયા માટે ભયંકર બાબત છે. 2007માં જ્યારે દુષ્કાળ, કુદરતી આફત જેવા કારણોસર વિશ્વભરમાં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો ત્યારે ખાદ્ય યુદ્ધ પ્રથમ વખત જોવા મળ્યું હતું. ત્યાર બાદ રશિયા, આર્જેન્ટિના જેવા મહત્વના ખાદ્યાન્ન નિકાસ કરતા દેશોએ 2008માં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે મહિનાઓ સુધી અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે વિશ્વમાં અનેક જગ્યાએ રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટ સર્જાયું હતું. યોગાનુયોગ એ સમયે વૈશ્વિક મંદી પણ હતી, જેના કારણે તેને ફૂડ વોર પણ ગણી શકાય.
Russia : રશિયા શરૂ કરી શકે છે અનોખુ યુદ્ધ, દુનિયામાં કરોડોના મોતની આશંકા!!!
gujarati.abplive.com
Updated at:
01 Apr 2023 08:15 PM (IST)
રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાથી જ વૈશ્વિક ખાદ્ય પુરવઠાને અવરોધ ઉભો કરી ચૂક્યું છે
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
Published at:
01 Apr 2023 08:15 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -