Russia Ukraine War: રશિયા યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન રશિયાએ બુધવારે જણાવ્યું કે 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું તેનું Il-76 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ વિમાન યુક્રેનની સરહદ નજીક પશ્ચિમ બેલગ્રાડ ક્ષેત્રમાં ક્રેશ થયું હતું.
RIA નોવોસ્ટી ન્યૂઝ એજન્સીએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, વિમાનમાં 65 પકડાયેલા યુક્રેનિયન સૈનિકોને લઈ જવામાં આવ્યા હતા જેમને બેલગ્રાડ ક્ષેત્રમાં એક્સચેન્જ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. પ્લેનમાં છ ક્રૂ મેમ્બર્સ અને ત્રણ એસ્કોર્ટ્સ પણ સવાર હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં આકાશમાં અગનગોળો બનીને તૂટી પડતું વિમાન પણ જોઈ શકાય છે.
યુક્રેનના જનરલ સ્ટાફ, યુક્રેનસ્કા પ્રવદા વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, વિમાન રશિયાની S-300 એર ડિફેન્સ સિસ્ટમ માટે મિસાઇલોનું પરિવહન કરી રહ્યું હતું. તેમાં યુદ્ધ કેદીઓનો કોઈ ઉલ્લેખ નથી. બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે તેઓ ઘટના વિશે વાકેફ છે પરંતુ વધુ વિગતો આપી નહોતી.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિયોમાં સ્થાનિક સમય મુજબ લગભગ 11:00 વાગ્યે બેલગોરોડના ઉત્તર-પૂર્વમાં 70km દૂર યાબ્લોનોવો ગામ નજીક વિસ્ફોટ થતાં વિમાન નીચે જઈ રહ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. રિયા નોવોસ્ટીના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન કેદીઓને વિનિમય માટે બેલ્ગોરોડ પ્રદેશમાં લઈ જવામાં આવી રહ્યા હતા, જોકે તેની પુષ્ટિ કરી શકાતી નથી. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે ક્રેમલિનને આ દુર્ઘટનાની જાણ હતી પરંતુ તેણે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.