મોસ્કોઃ કોરોના વાયરસનો કહેલ વિશ્વભરમાં વધી રહ્યો છે. આ વાયરસ વિશ્વના 33 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. જ્યારે 2.33 લાખથી વધારે લોકોના મોત થયા છે. ત્યારે સમાચાર આવ્યા છે કે રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની ટેસ્ટિંગમાં પોઝિટિવ મળી આવ્યા બાદ તેણે ખુદને સેલ્ફ આઈસોલેશનમાં રાખ્યા છે.


પીએમ મિખાઇલ મિશુસ્તિનને કહ્યું, “મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ રહ્યો છું. આ ખૂબ જ જરૂરી છે જેથી મારા સાથી સુરક્ષિત અને સ્વસ્થ્ય રહે. હું આંદ્રે બેલોસ્યોવને કાર્યકારી પ્રધાનમંત્રી બનાવું છું. પીએમ મિખાઈલ મિશુસ્તિને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે.”

રશિયાના નાયબ પ્રધાનમંત્રી આંદ્રે બેલોસોવ કામચલાઉ રીતે મિશુસ્તિનનું કામકાજ સંભાળી રહ્યા છે. જોકે પીએમ મિશુસ્તિન પ્રમુખ મુદ્દાઓ પર આંદ્રે સાથે વિચાર વિમર્શ કરતા રહેશે. આ પહેલા બ્રિટનના પીએમ બોરિસ જોનસનનો કોરોના પોઝિટિવ આવ્યા હતો. તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ ઠીક છે અને કામ પર પરત ફર્યા છે.

રશિયામાં એક લાખથી વધારે કોરોનાના કેસ

રશિયામાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7099 કેસ સામે આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યા 1 લાખ 6 હજાર 498 થઈ ગઈ છે. 1073 લોકોના મોત થયા છે.