રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં ગૃહયુદ્ધનું સંકટ ટાળી દીધું છે. પરંતુ, પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના બળવા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સોમવારે ફરી એકવાર વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિને નિવેદન આપ્યું છે અને બળવા અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કેમ બળવો કર્યો આ પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને એકતા દર્શાવવા માટે દેશના લોકોનો આભાર માન્યો હતો.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે તેમણે બળવા દરમિયાન "મોટા પાયે રક્તપાત"થી બચવાનો આદેશ આપ્યો હતો. જ્યારે પશ્ચિમી દેશો અને કિવ (યુક્રેન) ઇચ્છતા હતા કે રશિયનો 'એકબીજાને મારી નાખે'. વેગનરના લડવૈયાઓ ઇચ્છે તો સૈન્યમાં જોડાઇ શકે છે અથવા બેલારૂસમાં જઇ શકે છે. તમે તમારા ઘરે પણ પાછા આવી શકો છો. તેમણે કહ્યું હતું કે, અમે 24 કલાકથી ઓછા સમયમાં બળવો ખતમ કર્યો હતો. તેમણે એકતા માટે રાષ્ટ્રનો આભાર માન્યો હતો. બળવાને રક્તપાતમાં ફેરવવા ના દેવા બદલ વેગનર ગ્રુપની આર્મીનો પણ આભાર માન્યો હતો.
'પુતિન રશિયાના દુશ્મનોને દોષી ઠેરવ્યા'
બળવા પછી પ્રથમવાર જોવા મળેલા પુતિને બળવાખોરોને પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, દેશ અને લોકોને બળવાથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે આખી ઘટના માટે 'રશિયાના દુશ્મનો'ને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે તેમણે ખોટો અંદાજ લગાવ્યો હતો. તેઓ ક્રેમલિનમાં સુરક્ષા સેવાના વડા, સંરક્ષણ પ્રધાન અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા.
'તખ્તાપલટ કરવા માંગતો ન હતો...'
અગાઉ પ્રાઇવેટ આર્મીના પ્રમુખ યેવગેની પ્રિગોઝિને બળવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ બળવો કરવા માંગતા ન હતા પરંતુ તેમની પ્રાઇવેટ આર્મી વેગનરને ખત્મ થતી રોકવા માંગતા હતા. અન્યાયના કારણે અમે અમારી કૂચ શરૂ કરી હતી. જો કે, તેમણે આ સમયે તે ક્યાં છે અથવા તેમની યોજના શું છે તે અંગે કોઈ માહિતી આપી નહોતી.
'યુએસ કે નાટોને બળવા સાથે કોઈ લેવાદેવા નથી'
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બળવાને 'રશિયન સિસ્ટમની અંદરના સંઘર્ષનો ભાગ' ગણાવ્યો હતો. તેમણે મુખ્ય સાથીદારો સાથે કોન્ફરન્સ કોલમાં આ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે પુતિને આ માટે પશ્ચિમ કે નાટો દેશોનો દોષ ન આપવો જોઈએ. અમે સ્પષ્ટ કર્યું કે અમે આમાં સામેલ નથી. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. નાટો વડાએ કહ્યું હતું કે યુક્રેન પર હુમલો દર્શાવે છે કે પુતિને 'મોટી વ્યૂહાત્મક ભૂલ' કરી છે.