Vladimir Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં (ડિસેમ્બર 2025) ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. ક્રેમલિન દ્વારા શુક્રવારે (29 ઓગસ્ટ 2025) આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. પુતિન સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે
સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, ક્રેમલિનના અધિકારી યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી ડિસેમ્બરમાં થનારી આ મુલાકાત પર ચર્ચા કરશે. પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન બંને 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે.
ઉશાકોવે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન SCO બેઠક પછી તરત જ પીએમ મોદીને મળશે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે તેમની આ પહેલી મુલાકાત હશે, જોકે તેઓ ફોન પર નિયમિત સંપર્કમાં રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, "ખાસ કરીને મહત્વપૂર્ણ એ છે કે ડિસેમ્બરમાં અમારા રાષ્ટ્રપતિ (વ્લાદિમીર પુતિન) ની આગામી ભારત મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે."
ટેરિફ વચ્ચે SCO બેઠક પર આખી દુનિયાની નજર છે
ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા માટે ભારતીય માલની આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો, જેના પછી બંને દેશો વચ્ચેના સંબંધો અચાનક બગડ્યા. આ જ કારણ છે કે 10 સભ્યોની SCO સમિટ દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમેરિકન ટેરિફ વચ્ચે યોજાઈ રહેલી SCO બેઠક પર આખી દુનિયા નજર રાખી રહી છે. ટેરિફ પછી વિશ્વ રાજકારણ જે રીતે બદલાયું છે, તે બદલાયેલા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારત પોતાને એક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
ભારત-ચીન વેપાર સોદા પર ચર્ચાની શક્યતા
ભારતે હજુ સુધી રશિયા પાસેથી ખરીદતા તેલમાં ઘટાડો કર્યો નથી. પીએમ મોદીએ ઘણી વખત એમ પણ કહ્યું છે કે ભારત દબાણમાં આવવાને બદલે કટોકટીનો સામનો કરવા તૈયાર છે. ટેરિફના સંકેત સાથે ભારતે નવા બજારો શોધવાનું શરૂ કર્યું અને ઘણા દેશો સાથે ડીલ કરી છે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રવિવારે (31 ઓગસ્ટ 2025) તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન બંન્ને નેતાઓ દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે. ટ્રમ્પના ટેરિફને કારણે ઉદ્ભવેલા વ્યાપારિક તણાવને ઉકેલવા માટે ભારત-ચીન આ મુદ્દા પર નવેસરથી ચર્ચા કરી શકે છે.