નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના ઓઇલ ફિલ્ડ્સ પર ડ્રોન હુમલા બાદ ખાડીમાં તણાવ વધ્યો છે. સાઉદીએ આ માટે ઇરાનને જવાબદાર ગણાવ્યું છે. જ્યારે અમેરિકાએ સાઉદીની વિનંતી પર પોતાના સૈનિકો સાઉદી અરેબિયામાં તૈનાત કરવાને મંજૂરી આપી દીધી છે. જોકે, અમેરિકાના આ નિર્ણયથી ઇરાન ભડકી ઉઠ્યું છે. ઇરાને અમેરિકાને સૈનિકોની તૈનાતી કરવાના નિર્ણય પર ચેતવણી આપતા કહ્યું કે, જો કોઇ અમારા પર હુમલો કરશે તો તે મુખ્ય યુદ્ધક્ષેત્ર બનશે. નોંધનીય છે કે છેલ્લા સપ્તાહે દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોના ઓઇલફિલ્ડ પર હુમલો થયો હતો જેની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી. જોકે, અમેરિકાએ કહ્યું કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ક્રૂઝ મિસાઇલ ઇરાનના હતા અને તેને એક્ટ ઓફ વોર ગણાવ્યું હતું. સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે કહ્યું કે, અમેરિકાએ સાઉદીમાં સૈનિકોની તૈનાતીને સ્વીકારી લીધી છે. અમારા સૈનિકો રક્ષાત્મક વલણ અપનાવશે અને એર અને મિસાઇલ ડિફેન્સ પર નજર રાખશે.


બીજી તરફ ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્સના કમાન્ડર મેજર જનરલ હુસેન સલામે કહ્યું કે, ઇરાન કોઇ પણ પ્રકારની  સ્થિતિ માટે તૈયાર છે. જે પોતાના દેશને યુદ્ધક્ષેત્ર બનાવવા માંગે છે તે આગળ વધી શકે છે. અમને આશા છે કે તે રણનીતિક ભૂલ નહી કરે. તેહરાનના ઇસ્લામિક રિવોલ્યૂશન એન્ડ હોલી ડિફેન્સ મ્યૂઝિયમમાં એક પ્રદર્શન દરમિયાન સલામીએ કહ્યું કે, ઇરાને એર ડિફેન્સ અને ડ્રોન બનાવવામાં અમેરિકાના ટેક્નોલોજિકલ પ્રભુત્વને સમાપ્ત કરી દીધું છે. તમારું ડ્રોન અમારા વિસ્તારમાં શું કરી રહ્યું છે. અમે તેને તોડી પાડીશું. અમે એ બધાને મારી નાખીશું જે અમારી એરસ્પેસમાં બિનકાયદેસર રીતે ઘૂસશે.