Hajj 2025 Saudi Arabia Rules: સાઉદી અરેબિયાએ હજ યાત્રાને લઈને એક મહત્વપૂર્ણ અને દૂરગામી નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર, હવેથી હજ યાત્રામાં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે આ જાહેરાત કરતા જણાવ્યું છે કે હજ દરમિયાન દર વર્ષે વધતી જતી ભીડને નિયંત્રિત કરવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે હજ 2025થી, પ્રથમ વખત હજ કરનારા યાત્રાળુઓને જ પ્રાથમિકતા આપવામાં આવશે. બાળકો પર પ્રતિબંધ પણ આ નીતિનો જ એક ભાગ છે, જેથી કરીને નાજુક વયના બાળકોને હજ યાત્રા દરમિયાન ભીડભાડવાળા સ્થળોએ થતી મુશ્કેલીઓ અને સંભવિત જોખમોથી બચાવી શકાય. હજ 2025 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
નુસુક એપ દ્વારા રજીસ્ટ્રેશન
સાઉદી અરેબિયાના નાગરિકો અને ત્યાં કાયમી વસવાટ કરતા વિદેશી નાગરિકો હજ યાત્રા માટે નુસુક એપ અથવા અધિકૃત ઓનલાઈન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન અરજદારોએ પોતાની વ્યક્તિગત માહિતી અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, જે લોકો અરજદાર સાથે મુસાફરી કરવા ઈચ્છે છે, તેમનું રજીસ્ટ્રેશન પણ કરાવવું ફરજિયાત રહેશે.
કયા દેશોને થશે અસર?
સાઉદી અરેબિયાના આ નવા વિઝા નિયમોની અસર મુખ્યત્વે 14 દેશો પર થશે. જેમાં અલ્જીરિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, જોર્ડન, મોરોક્કો, નાઇજીરિયા, પાકિસ્તાન, સુદાન, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે. સાઉદી સરકારે આ દેશોના નાગરિકો માટે પ્રવાસન, વ્યવસાય અને પારિવારિક મુલાકાતો માટે અગાઉ આપવામાં આવતા એક વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધા છે. નવા નિયમો હેઠળ, આ દેશોના લોકો હવે ફક્ત સિંગલ-એન્ટ્રી વિઝા માટે જ અરજી કરી શકશે, જે ફક્ત 30 દિવસ માટે જ માન્ય રહેશે.
સાઉદી અરેબિયા દ્વારા હજ અને ઉમરાહ યાત્રાને લઈને નિયમોમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવતા રહે છે. અગાઉ 2024માં, સાઉદી અરેબિયાના મંત્રાલયે ગ્રેટ ગ્રાન્ડ મસ્જિદમાં વધુ પડતી ભીડને ધ્યાનમાં રાખીને ઉમરાહ યાત્રા દરમિયાન ફોટોગ્રાફી ટાળવાની સલાહ આપી હતી. મંત્રાલયે પરવાનગી વિના કોઈ વ્યક્તિનો ફોટો ન લેવા અને મસ્જિદ પરિસરમાં લાંબા સમય સુધી ફોટોગ્રાફીથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
બાળકોને હજ યાત્રા પર પ્રતિબંધ મૂકવાનો અને 14 દેશો માટે વિઝા નિયમોમાં ફેરફાર કરવાનો સાઉદી અરેબિયા સરકારનો આ નિર્ણય હજ યાત્રાના સંચાલન અને યાત્રાળુઓની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો...