જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેજ પરથી મોટી જાહેરાત કરી ત્યારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું. ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે હું સીરિયા પરના અમેરિકન પ્રતિબંધો હટાવવાનો આદેશ આપીશ, જેથી તે ફરી એકવાર મહાનતા તરફ આગળ વધી શકે. આ જાહેરાતને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે, જેમણે આ નિર્ણયમાં પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ મુલાકાત ટ્રમ્પની તેમના બીજા કાર્યકાળની પહેલી મોટી વિદેશ યાત્રા છે અને વ્હાઇટ હાઉસ દ્વારા તેને 'મિડલ ઇસ્ટમાં ઐતિહાસિક વાપસી' તરીકે વર્ણવવામાં આવી છે. ટ્રમ્પના આ પગલાને સીરિયા સાથેના સંબંધોને સામાન્ય બનાવવા અને પ્રાદેશિક સ્થિરતા તરફ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો આને એક એવી ક્ષણ તરીકે જોઈ રહ્યા છે જ્યાં અમેરિકા અને આરબ દેશો વચ્ચે રાજદ્વારી નવી દિશા પકડી છે.
ક્રાઉન પ્રિન્સે નિર્ણય પર શું કહ્યું?
ટ્રમ્પે રિયાધમાં આયોજિત આ કાર્યક્રમમાં સાઉદી અધિકારીઓ, અમેરિકન પ્રતિનિધિઓ અને અન્ય ખાડી દેશોના નેતાઓની હાજરીમાં આ જાહેરાત કરી હતી. સીરિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની વાત કરતા જ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિતના તમામ મોટા નેતાઓ ઉભા થઇને તાળીઓ પાડવા લાગ્યા હતા. ક્રાઉન પ્રિન્સ બિન સલમાને તેને "ક્ષેત્ર માટે નવી શરૂઆત" ગણાવી હતી.
આશા છે કે અમેરિકાના આ નિર્ણયથી સીરિયાને આર્થિક રાહત મળશે. આનાથી સીરિયાના લોકોને રાહત તો મળશે પણ તેમના વિકાસના માર્ગ ખુલી શકે છે. સાઉદી અરેબિયાએ સીરિયા સાથે સંબંધો સુધારવા માટે પહેલાથી જ ઘણા પ્રયાસો કર્યા છે, અને હવે અમેરિકન સમર્થનથી આ પગલું વધુ મજબૂત બનતું દેખાય છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ગયા વર્ષે અસદ શાસનના પતન પછી સીરિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની યોજના બનાવી રહ્યા છે અને કહ્યું કે આ પગલું "તેમને મહાનતાની તક આપશે." ટ્રમ્પે રિયાધમાં સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ દરમિયાન આ પગલાની જાહેરાત કરતા કહ્યું કે તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તેમજ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, "છેલ્લા ઘણા વર્ષોમાં સીરિયામાં ઘણા યુદ્ધો અને હત્યાઓ થઈ રહી છે. આ કારણોસર મારા વહીવટીતંત્રે એક દાયકા કરતાં વધુ સમયમાં પહેલી વાર અમેરિકા અને સીરિયા વચ્ચે સામાન્ય સંબંધો ફરીથી સ્થાપિત કરવા તરફ પ્રથમ પગલાં લીધાં છે." ટ્રમ્પના નિવેદન પર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઉભા થઇને તાળીઓ પાડી હતી અને આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. સીએનએનના અહેવાલ મુજબ, ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો "આ અઠવાડિયાના અંતમાં" તુર્કીમાં સીરિયાના વિદેશ મંત્રીને મળવાના છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે "પ્રતિબંધો ક્રૂર અને નબળા પાડનારા હતા અને તે સમયે એક મહત્વપૂર્ણ કાર્ય તરીકે કામ કરતા હતા પરંતુ હવે તેમનો ચમકવાનો સમય આવી ગયો છે. તેમણે આશા વ્યક્ત કરી કે સીરિયાની નવી સરકાર "દેશમાં શાંતિ જાળવવામાં સફળ થશે.
પ્રતિબંધો હટાવવા એ સીરિયન સરકાર માટે એક મહત્વપૂર્ણ વિજય છે, જેણે બાઇડન સરકાર દરમિયાન ડિસેમ્બરમાં અસદ શાસનનું પતન જોયું હતું. જોકે, આ પગલાને ઇઝરાયલને એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે જેણે અસદના પતન પછી સીરિયામાં લશ્કરી અને પ્રાદેશિક પ્રગતિમાં વધારો કર્યો છે.