સાઉદી અરેબિયાની સલમા અલ-શેહબાબને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પુરી થયા બાદ સલમાને 34 વર્ષ માટે ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. સલમા અલ-શેહબાબે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને અનેક ટ્વિટ રિટ્વીટ કરી હતી. સલમાએ જેલમાં બંધ કાર્યકર્તા Loujain al-Hathloul સહિત અન્ય ઘણી મહિલા કાર્યકરોની મુક્તિની હિમાયત કરી હતી.
  
ડેઈલી મેલ અનુસાર, સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે સલમા ટ્વિટર દ્વારા લોકોમાં અશાંતિ ફેલાવવા માંગે છે, તેના ટ્વિટથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. સાઉદીની ટેરરિઝમ કોર્ટે તેને 34 વર્ષની જેલની સજા સંભળાવી હતી. સલમાને બે બાળકો છે. તેમાંથી એક 4 વર્ષનો અને બીજો 6 વર્ષનો છે. અગાઉ તેને 6 વર્ષની જેલની સજા થઈ હતી. પરંતુ સોમવારે સાઉદી ટેરરિઝમ કોર્ટે તેની સજા વધારીને 34 વર્ષ કરી દીધી હતી. એકવાર સલમાની આ સજા પૂર્ણ થઈ જશે, ત્યારબાદ 34 વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ પણ લાગુ કરવામાં આવશે.


જ્યારે કોર્ટે સલમાને સજા સંભળાવી ત્યારે તેની ટ્વીટ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી વિશે પણ વાત કરવામાં આવી હતી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓની મુક્તિની માંગ કરી હતી, જેમાંથી Loujain al-Hathloul મુખ્ય છે. સલમાએ એક્ટિવિસ્ટ Loujain al-Hathloulની બહેન લીનાના ટ્વિટને રિટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં લીનાએ તેની બહેન Loujain al-Hathloulને મુક્ત કરવાની માંગ કરી હતી.  સલમાએ સાઉદી સાથે અસંમત એવા કાર્યકરોની ટ્વિટ પણ રીટ્વીટ કરી હતી, જેઓ નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.


જાન્યુઆરી 2021માં થઈ હતી ધરપકડ
સલમાની જાન્યુઆરી 2021માં સાઉદી અરેબિયામાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે રજાઓ માણવા આવી હતી. તે યુકેમાં રહેતી હતી અને લીડ્ઝ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહી હતી. સલમા શિયા મુસ્લિમ છે.


આ મામલે ડોક્ટર બેથને અલ હૈદરીનું નિવેદન પણ સામે આવ્યું છે. તે યુએસમાં 'હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન'માં સાઉદી કેસ મેનેજર છે. ડૉ. અલ હૈદરીએ કહ્યું કે સાઉદી દુનિયાને બડાઈ મારી રહ્યું છે કે મહિલાઓના હિત માટે કામ થઈ રહ્યું છે, મહિલાઓની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, કાયદાકીય સુધારા થઈ રહ્યા છે. પરંતુ, જે રીતે સલમાને સજા સંભળાવવામાં આવી છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે ત્યાંની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.