SCO Summit 2024: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે  વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓના સન્માનમાં તેમના નિવાસસ્થાને ડિનરનું પણ આયોજન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના પીએમ વચ્ચેની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એસ જયશંકર અને શાહબાઝ શરીફે એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.






આ સિવાય પાકિસ્તાનના વડાપ્રધાને SCOના તમામ સભ્ય દેશોના પ્રતિનિધિમંડળના નેતાઓનું અભિવાદન કર્યું હતું. નોંધનીય છે કે વિદેશ મંત્રી એસ જયશંકરનું પ્લેન પાકિસ્તાનના નૂર ખાન એરપોર્ટ પર સ્થાનિક સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે લેન્ડ થયું હતું. અહીં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. છેલ્લા 09 વર્ષમાં પહેલીવાર ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે ગયા છે. છેલ્લા ઘણા સમયથી કાશ્મીર મુદ્દા અને આતંકવાદને લઈને બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. એસ જયશંકર બુધવારે SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.






એસ જયશંકરે X પર પોસ્ટ કર્યું


પાકિસ્તાન પહોંચ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  તેમણે X પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "હું SCOના વડાઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ પહોંચ્યો છું. આ સાથે વિદેશ મંત્રીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરતા કેટલાક બાળકો અને અધિકારીઓની તસવીરો પણ શેર કરી છે."