વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર થતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટના બની ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી તેથી ટ્રમ્પે ભાગવું પડ્યું હતું.  ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ ગાર્ડ્સે ટ્રમ્પને મંચ પરથી હટાવીને ભગાડ્યા હતા અને સલામત સ્થશે ખસેડી દીધા હતા. ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ રોકવી પડી હતી અને વ્હાઈટ હાઉસની ચારેય બાજુ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સમાં હાજર  પત્રકારો પણ કલાકો સુધી વ્હાઈટ હાઉસમાં જ કેદ થઈ ગયા હતા.


આ ઘટનાના થોડી વાર પછી ટ્રમ્પ બહાર  આવ્યા હતા અને જણાવ્યું કે, વ્હાઈટ હાઉસની બહાર કોઈ અજાણી વ્યક્તિને ગોળી મારવામાં આવી છે. જેને ગોળી વાગી છે તેની પાસે પણ હથિયાર હતા. સિક્રેટ સર્વિસે ટ્વિટ કરીને જણાવ્યું કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિએ તેમના ઓફિસરને ગોળી મારી છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, શંકાસ્પદની ઓળખ અને તેનો હેતુ શું હતો તેની ખબર પડી નથી પણ તેનો પ્રેસિડન્ટ હાઉસને કોઈ નુકસાન પહોંચાડવાનો હેતુ હતો એવું નથી. આ ઉપરાંત ઘટના વ્હાઈટ હાઉસની બહાર બની છે એ જોતાં  સુરક્ષામાં ખામીની વાતમાં દમ નથી. ટ્રમ્પે સિક્રેટ સર્વિસના વખાણ કરતાં કહ્યું છે કે, હું મારી જાતને બહુ સુરક્ષિત અનુભવુ છું.