Sheep Mystery solved: ગુજરાતીમાં એક શબ્દ પ્રયોગ છ 'ગાડરીયો પ્રવાહ'. આ શબ્દ પ્રયોગનો ઉપયોગ ગુજરાતીમાં પ્રસંગોપાત ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. જેનો અર્થ એ થાય છે કે, ઘેટા રૂપી પ્રવાહ. ઘેટાની પ્રકૃતિ હોય છે કે, કોઈ એક ઘેટું જ્યાં ચાલે તેની પાછળ મોટી સંખ્યામાં ઘેટા ચાલે છે. તે પછી ભલે સાચો રસ્તો હોય કે ના હોય. આ શબ્દ પ્રયોગનો અર્થ આંધળુકિયા અનુકરણના સંદર્ભમાં પણ થાય છે. પરંતુ ચીનમાં ઘેટાંનો એકપ્રવાહ દુનિયા આખી માટે ચર્ચાનો વિષય બન્યો છે.


તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચીનના મંગોલિયાના અંતરિયાળ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ઘેટાંનું એક ઝૂંડ સતત એક જ જગ્યાએ ગોળ ગોળ ચક્કર લગાવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ઘેટાં છેલ્લા 12 દિવસથી આ જ રીતે ફરી રહ્યાં છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે પરંતુ હવે એક વૈજ્ઞાનિકે આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે.     


ઈંગ્લેન્ડના ગ્લુસેસ્ટરમાં હાર્ટપ્યુરી યુનિવર્સિટીના કૃષિ વિભાગના પ્રોફેસર અને ડિરેક્ટર મેટ બેલે કહ્યું હતું કે, ઘેટાંનું આ વલણ જોતા કહી શકાય કે, બની શકે છે કે આ ઘેટાં લાંબા સમયથી કેદમાં હોય. આ કારણે તેમનામાં સ્ટીરિયોટાઇપ વર્તન જોવા મળી રહ્યું છે. કેદમાં હોવાથી અને બંધિયાર હોવાને કારણે તેમને આ રીતે ચાલવાની આદત પડી ગઈ હોઈ શકે અથવા તેઓ નિરાશાને કારણે આમ ચાલવા લાગ્યા હશે, જે અયોગ્ય છે. તેમણે દાવો કર્યો હતો કે, પહેલા થોડા જ ઘેટાંએ ગોળ-ગોળ ફરવાનું શરૂ કર્યું હશે પરંતુ ત્યાર બાદ તેમાં વધુ પ્રાણીઓ જોડાયા હશે.




દુનિયા આખીમાં ચર્ચાનો વિષય


સૌથી પહેલા આ વીડિયો 'પીપલ્સ ડેઈલી ચાઈના' દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો દરેક લોકો માટે આશ્ચર્યનો વિષય બન્યો હતો. ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોનું કેપ્શન હતું - ધ ગ્રેટ શીપ મિસ્ટ્રી! ઉત્તર ચીનના આંતરિક મંગોલિયામાં સેંકડો ઘેટાં 10 દિવસથી વધુ સમય માટે એક વર્તુળમાં ચાલે છે. ઘેટાં સ્વસ્થ છે અને વિચિત્ર વર્તનનું કારણ હજુ પણ એક રહસ્ય છે.


રોગને લઈને દાવાઓ પણ કરવામાં આવ્યા હતા


અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લિસ્ટરિઓસિસ નામના બેક્ટેરિયલ રોગને કારણે પ્રાણીઓ આવું વર્તન કરે છે. આ રોગ સામાન્ય રીતે ઘેટાંના નબળા ખોરાક સાથે સંકળાયેલો છે અને પ્રાણીના મગજને અસર કરે છે. જેના કારણે મગજમાં સોજો આવે છે અને દિશાહિનતા અનુભવાય છે.


ત્યાર બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. કેટલાક યુઝર્સ તો આ ઘટનાને કંઈક અપ્રિય હોવાની આશંકા સાથે જોડીને જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક વપરાશકર્તાઓ તેને પ્રાણીઓ માટે એક રોગ કહી રહ્યા છે.