Sheikh Hasina death sentence: બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં એક મોટી ઘટના બની છે. અહીંની એક વિશેષ અદાલતે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ગંભીર ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે હસીનાને નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કરવા અને માનવતા વિરુદ્ધના અપરાધો (Crimes against Humanity) આચરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું છે કે શેખ હસીનાએ પ્રદર્શનકારીઓને કચડી નાખવા અને તેમને મોતને ઘાટ ઉતારવા માટે ઘાતક હથિયારો અને ડ્રોનનો ઉપયોગ કરવાના સીધા આદેશો આપ્યા હતા.
હિંસા ભડકાવવા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ
કોર્ટે પોતાના વિસ્તૃત ચુકાદામાં જણાવ્યું છે કે શેખ હસીના અને તેમના નજીકના સહયોગીઓના આદેશથી જ આ નરસંહાર થયો હતો. પ્રથમ દ્રષ્ટિએ, શેખ હસીના માત્ર હિંસા રોકવામાં અને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા તેમ નહીં, પરંતુ તેઓ પ્રત્યક્ષ રીતે તેમાં સામેલ હતા. તપાસમાં સામે આવેલા પુરાવા સૂચવે છે કે પોલીસ મહાનિરીક્ષક (IGP) ની ભૂમિકા પણ આ મામલે શંકાસ્પદ અને દોષિત છે. IGP એ પૂછપરછ દરમિયાન આ કૃત્યોમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત પણ કરી હતી.
ગૃહમંત્રીના ઘરે રચાયું હતું ષડયંત્ર
કોર્ટની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 19 જુલાઈ પછી, તત્કાલીન ગૃહમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલ્યો હતો. આ બેઠકોમાં વિદ્યાર્થી આંદોલનને કોઈપણ ભોગે દબાવી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. શેખ હસીનાએ વિરોધ કરી રહેલા લોકોને નિશાન બનાવવા માટે એક ખાસ 'કોર કમિટી'ની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, અવામી લીગના કાર્યકરો અને સમર્થકો પણ સક્રિયપણે પ્રદર્શનકારીઓને હેરાન કરવામાં અને તેમના પર હુમલા કરવામાં સામેલ હતા.
54 સાક્ષીઓ અને UN રિપોર્ટની જુબાની
આ કેસમાં ન્યાયિક પ્રક્રિયા દરમિયાન કોર્ટે કુલ 54 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. કોર્ટે તારણ કાઢ્યું હતું કે દોષિત ઠેરવવા માટે આ સાક્ષીઓ અને પુરાવાઓ પૂરતા છે. સમગ્ર દેશમાંથી એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર (UN) ની એક એજન્સીના અહેવાલનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હતો કે શેખ હસીના અને ગૃહમંત્રીના સીધા આદેશો પર જ માનવતા વિરુદ્ધના આ ધૃણાસ્પદ ગુનાઓ આચરવામાં આવ્યા હતા.
ઢાકા યુનિવર્સિટીના VC સાથેની વાતચીત બની પુરાવો
સુનાવણી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે હસીનાએ જાણીજોઈને વિદ્યાર્થીઓ અને નાગરિકોની હત્યાનું આયોજન કર્યું હતું. કોર્ટ સમક્ષ શેખ હસીના અને ઢાકા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) વચ્ચેની ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ વાતચીતમાં હસીનાએ વિદ્યાર્થીઓ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને હિંસક કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના કારણે વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા હતા. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે તેમના નિવેદનો ઉશ્કેરણીજનક હતા અને તેના કારણે જ નિર્દોષોના જીવ ગયા.