Florida Golf Club: રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા ગોલ્ફ ક્લબની બહાર રવિવારે બપોરે ફાયરિંગની ઘટના બની હતી. ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરનાર કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચેઉંગે કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે. ફાયરિંગ કોણે કર્યું તે અંગેની વિસ્તૃત માહિતી હજુ સામે આવી નથી. સિક્રેટ સર્વિસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ફાયરિંગ કરાયું હતુ. જેમાં તેમને કાન પર ઇજા પહોંચી હતી.


આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકો માટે એક સંદેશ જાહેર કરીને કહ્યું કે, "હું સુરક્ષિત છું. મેં મારી આસપાસ ફાયરિંગના અવાજો સાંભળ્યા હતા પરંતુ આ ઘટના અંગે કોઈ અફવા ફેલાવે તે પહેલા હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સંપૂર્ણ સુરક્ષિત છું. તેમણે વધુમાં કહ્યું કે, "કોઈ મને ચૂંટણી પ્રચારમાંથી હટાવી શકશે નહીં. હું ક્યારેય આત્મસમર્પણ નહીં કરું."






સિક્રેટ સર્વિસે શરૂ કરી તપાસ


એક રિપોર્ટ અનુસાર, ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ થયું ત્યારે ટ્રમ્પ ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં તેમના ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોર્સ પાસે થયેલા વિવાદને કારણે બે લોકો વચ્ચે ફાયરિંગ થયું છે. સિક્રેટ સર્વિસ કોમ્યુનિકેશન ચીફ એન્થોની ગુગ્લિલ્મીએ પણ આ અંગે માહિતી આપી હતી. તેમણે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, સિક્રેટ સર્વિસ પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસની સાથે આ ઘટનાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. ઘટના અંગે વધુ વિગતો ટૂંક સમયમાં આપવામાં આવશે.


સ્થળ પરથી AK-47 મળી, શંકાસ્પદ ઝડપાયો


દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે ગોળીબાર ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં ટ્રમ્પ ગોલ્ફ કોર્સમાં થયો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે ઘટનાસ્થળેથી એક AK-47 મળી આવી હતી.  ટ્રમ્પ અભિયાને પોતાના નિવેદનમાં કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત છે. એક શંકાસ્પદને પકડવામાં આવ્યો હોવાના અહેવાલ છે.






અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી - કમલા હેરિસ


રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના વિરોધી કમલા હેરિસે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે મને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમના ગોલ્ફ કોર્સની નજીક ફાયરિંગ થયાની જાણકારી મળી છે. મને ખુશી છે કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી.