Pakistan: પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ફાયરિંગની ઘટના બની છે. ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે G-13 અંડરપાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ પછી પૂર્વ પીએમ ઈમરાન ખાનને કોર્ટ રૂમમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગ દરમિયાન કોઈ અધિકારીને ઈજા થઈ નથી. અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જો કે ગોળીબારની 15 મિનિટ બાદ કોર્ટની બહાર સુરક્ષા ક્લિયર કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ગોળીબારના અવાજો સંભળાયા છે અને દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. આ ઘટનાના લગભગ એક કલાક બાદ ઈસ્લામાબાદના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
બીજી તરફ ફાયરિંગ બાદ ઈમરાન ખાને પ્રદર્શનકારીઓને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે અપીલની રીતે કહ્યું કે "મને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. હું લાહોર છોડવા માટે છેલ્લા 4 કલાકથી રાહ જોઈ રહ્યો છું" ઈસ્લામાબાદના જી 11 અને જી 13 વિસ્તારોની આસપાસ સ્થિતિ હજુ પણ તંગ છે. દેખાવકારોને વિખેરવા માટે પોલીસે ગિયર ગેસ છોડ્યો હતો. વિસ્તારમાં હજુ પણ હવાઈ ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ સાથે જ પ્રદર્શનકારીઓ દ્વારા એક વાહનને પણ સળગાવી દેવામાં આવ્યું છે.
ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટની મોટી રાહત, તમામ 121 કેસોમાં જામીન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં હાઈકોર્ટે તેમને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. સાથે જ, કોર્ટે ઈમરાન ખાનને કોઈ પણ સંજોગોમાં 17 મે સુધી ધરપકડ ન કરવા આદેશ આપ્યા છે. આમ હાઈકોર્ટે ઈમરાન ખાનને તમામ 121 કેસમાં જામીન આપ્યા છે.
કોર્ટ રૂમ નંબર 3માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઈમરાન ખાનના કેસની સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચ હાજર રહી હતી. સુનાવણી પહેલા ઈમરાન ખાન પોલીસ લાઈન્સમાં હાજર રહ્યાં હતાં. ભારે સુરક્ષા વચ્ચે તેને ઈસ્લામાબાદ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદનો શ્રીનગર હાઈવે બંધ કરી દીધો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.