Iran Israel War: ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ શનિવારે રાત્રે દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ એક મોટા લશ્કરી કાર્યવાહીના ભાગ રૂપે ઇરાનના દક્ષિણપશ્ચિમ ક્ષેત્ર આહવાઝમાં ડઝનબંધ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહીમાં લગભગ 30 ઇઝરાયલી ફાઇટર જેટ્સે ભાગ લીધો હતો અને 50થી વધુ બોમ્બ ફેંક્યા હતા.

IDF એ જણાવ્યું હતું કે આ હુમલો ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે કરવામાં આવ્યો હતો, જેમાં તે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં ઇરાને મિસાઇલ લોન્ચર મૂક્યા હતા. IDF અનુસાર, આમાંથી કેટલાક લોન્ચરનો ઉપયોગ અગાઉ ઇઝરાયલ પરના હુમલાઓમાં કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઇરાની રડાર ડિટેક્શન સિસ્ટમ્સ, એરિયલ સર્વેલન્સ ટેકનોલોજી અને અન્ય લશ્કરી માળખાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બધું ઇરાની શાસનના લશ્કરી નેટવર્કનો ભાગ હતું. IDF એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ઇરાની શાસનની લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવા માટે આ હુમલાઓ કરી રહ્યા છીએ જેથી ઇઝરાયલનું રક્ષણ થઈ શકે.

સમાચાર એજન્સી AFP અનુસાર, ઇરાનના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી કે કોઈપણ સંજોગોમાં પરમાણુ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે નહીં.  ઇસ્ફહાનમાં ઇઝરાયલી ડ્રોન હુમલા પછી એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ હતી.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ પેસિફિક ટાપુ ગુઆમમાં B-2 સ્પિરિટ બોમ્બર્સ તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટતા કરી નથી કે શું આ તૈનાતીનો મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ સીધો સંબંધ છે. આ વિકાસ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિચારી રહ્યા છે કે શું અમેરિકાએ સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ.   

B-2 બોમ્બરની શક્તિ શું છે?

B-2 સ્પિરિટ વિશ્વના સૌથી અદ્યતન અને સ્ટીલ્થ બોમ્બર્સમાંથી એક છે, જે પરમાણુ અને પરંપરાગત બંને શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. આ વિમાન 30,000 પાઉન્ડના 'GBU-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર' વહન કરી શકે છે, જે ઊંડા ભૂગર્ભ લક્ષ્યોને નષ્ટ કરવા માટે રચાયેલ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ બોમ્બનો ઉપયોગ ઈરાનના ફોર્ડો જેવા પરમાણુ લક્ષ્યોને નિશાન બનાવવા માટે થઈ શકે છે.