Houthi rebels: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં હવે એક નવો અને ગંભીર વળાંક આવ્યો છે. ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો તે ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ઇઝરાયલને મદદ કરશે, તો લાલ સમુદ્રમાં તેના જહાજો અને યુદ્ધ જહાજોને નિશાન બનાવવામાં આવશે.

હુથી લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ શનિવારે (જૂન 21) એક વિડિયો નિવેદન બહાર પાડતા જણાવ્યું હતું કે, "જો અમેરિકા ઇઝરાયલી સેના સાથે મળીને ઈરાન સામે આક્રમક લશ્કરી કાર્યવાહી કરશે, તો યમનની સશસ્ત્ર દળો લાલ સમુદ્રમાં તેના તમામ જહાજો અને યુદ્ધ જહાજોને નિશાન બનાવશે." આ ચેતવણી વૈશ્વિક શિપિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ લાલ સમુદ્ર ક્ષેત્રમાં સંઘર્ષના વિસ્તરણની સંભાવના દર્શાવે છે.

નોંધનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં ચાલી રહેલી ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીમાં સીધા જોડાવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો હતા, જોકે તેમણે આગામી બે અઠવાડિયા માટે તેમની યોજના મુલતવી રાખી હતી. તેમ છતાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાનને ધમકી આપતી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે ઈરાનને કોઈપણ શરત વિના શરણાગતિ સ્વીકારવાની ધમકી આપી હતી.

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આવી કોઈપણ કાર્યવાહી સામે ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ઈરાન સામે આવી કોઈપણ લશ્કરી કાર્યવાહી દરેક માટે ખૂબ જ ખતરનાક પરિણામો લાવી શકે છે.

નિષ્ણાતોના મતે, યુએસ બંકર બસ્ટર બોમ્બ જ ફોર્ડોમાં આવેલા ઈરાનના અત્યંત સુરક્ષિત પરમાણુ સ્થળોને નિશાન બનાવી શકે છે. આ દરમિયાન, ઇઝરાયલી સેનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેણે રાત્રે ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સંશોધન સુવિધા પર હુમલો કર્યો હતો અને તેના લક્ષિત કામગીરીના ભાગ રૂપે ત્રણ વરિષ્ઠ ઈરાની કમાન્ડરોને ઠાર કર્યા હતા. આ ઘટનાઓ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધની સંભાવનાને વધુ ઘેરી બનાવી રહી છે.