India-US Space Mission 2024: દુનિયા આખીની જેના પર નજર હતી તે ફાઈટર જેટ્સના એન્જીન ભારતમાં જ બનાવવાને લઈને અમેરિકા સાથે સમજુતી થઈ ગઈ છે. હવે ભારત-અમેરિકા વચ્ચે વધુ એક મોટી ડીલ થઈ છે. ખુદ વ્હાઈટ હાઉસે જ તેની જાહેરાત કરી છે. આ બંને મોટી સમજુતિઓ ત્યારે થઈ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. 


ભારત-અમેરિકાએ 2024 માટે સંયુક્ત અવકાશયાત્રી મિશનની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે (22 જૂન) જણાવ્યું હતું કે, ભારતે આર્ટેમિસ કરારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને અમેરિકી સ્પેસ એજન્સી નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) 2024 માં ઈન્ટરનેશનલ સ્પેશ એજન્સી માટે સંયુક્ત મિશન મોકલવા માટે સંમત થયા છે.


આર્ટેમિસ એલાયન્સ નાગરિક અવકાશ સંશોધન પર સમાન વિચાર ધરાવતા દેશોને સાથે લાવે છે. ઓવલ ઑફિસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેની બેઠકના થોડા કલાકો પહેલાં અમેરિકી વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અવકાશના વિષય પર અમે જાહેરાત થશે કે ભારત આર્ટેમિસ સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યું છે. જે માનવજાતના ફાયદા માટે અવકાશ સંશોધન માટે એક સંયુક્ત દ્રષ્ટિને આગવ વધારી રહ્યું છે. 


પીએમ મોદી-જો બાઈડેન દ્વિપક્ષીય બેઠક કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવા માટે આજે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 1967ની આઉટર સ્પેસ ટ્રીટી પર આધારિત આર્ટેમિસ સંધિ, નાગરિક અવકાશ સંશોધનને માર્ગદર્શન આપવા માટે રચાયેલ બિન-બંધનકારી સિદ્ધાંતોનો સમૂહ છે.


અવકાશ મિશન માટેની તૈયારી


મંગળ અને અન્ય ગ્રહો પર અવકાશની શોધ કરવાના ધ્યેય સાથે, 2025 સુધીમાં ચંદ્ર પર મનુષ્યને પરત કરવાનો અમેરિકાની આગેવાની હેઠળનો પ્રયાસ છે. અધિકારીએ કહ્યું હતું કે, નાસા અને ઈસરો આ વર્ષે માનવસહિત અવકાશ ઉડાન માટે વ્યૂહાત્મક માળખું તૈયાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત નાસા અને ઈસરો 2024માં આઈએસએસના સંયુક્ત મિશન પર પણ સહમત થયા છે.


આ સમજુતિ સાથે જ ભારતના અવકાશી મિસનને વેગ મળશે. જાહેર છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની સ્પેસ સંસ્થા ઈસરો એક પછી એક કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. ઈસરો દુનિયાના અનેક દેશોના રોકેટ લોંચ કરી રહી છે. તેમાં અમેરિકા સાથેની આ સમજુતિથી ઈસરોના મિસનોને વધુ ગતિ મળશે.