મેડ્રિડઃ શિયાળાની ઋતુ શરૂ થતાં જ સ્પેનમાં જીવલેણ કોરોના વાયરસ ઘાતક બન્યો છે. કોરોનાએ ફરી એકવાર કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. આને ધ્યાનમાં રાખતા સ્પેનમાં છ મહિના માટે હેલ્થ ઇમર્જન્સી લગાવી દેવામાં આવી છે. સ્પેનમાં અત્યાર સુધી કોરોનાથી 35 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.


અત્યાર સુધી 35 હજારથી વધુના મોત
વેબસાઇટ વર્લ્ડૉમીટર અનુસાર, કોરોના વાયરસના કેસોમાં સ્પેન દુનિયાના છઠ્ઠા નંબર પર છે. સ્પેનમાં કોરોનાના અત્યાર સુધી 12 લાખ 38 હજાર 922 કેસો નોંધાઇ ચૂક્યા છે. આમાંથી 35 હજાર 639 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમા હજુ પણ 2 હજાર 404 લોકોની હાલત એકદમ ગંભીર છે.

સ્પેનમાં કોરોનાના કેસો સતત વધતા સરકાર ચિંતામાં આવી ગઇ છે. કાલે દેશમાં 23 હજાર 580 નવા કેસો સામે આવતા હાલત ખરાબ થઇ ગઇ છે. આ એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો છે.

રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નીકળવા પર રોક
સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેજે કોરોનાના નવા કેસોને લઇને કહ્યું ''યુરોપ અને સ્પેન કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છે. અમે બહુ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, પીએમ સાંચેજે જણાવ્યુ કે રાત્રે 11 વાગ્યાથી લઇને આગામી સવારે 6 વાગ્યા સુધી લોકો ઘરોમાંથી બહાર નહીં નીકળી શકે.