સ્પેનના વેલેન્સિયામાં આઠ કલાકમાં એક વર્ષ જેટલો વરસાદ વરસ્યો હતો. પરિણામે અચાનક વિનાશક પૂર આવ્યું જેના પરિણામે 95 લોકોના મોત થયા. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને અનેક કાર તરતી જોવા મળી હતી. રેલ લાઈનો અને હાઈવે ખોરવાઈ ગયા હતા. ત્રણ દાયકામાં આ સૌથી ભયાનક કુદરતી આફત છે.
મંગળવારે ભારે વરસાદ લાવનાર વાવાઝોડાને કારણે મલાગાથી લઇને વેલેન્સિયા સુધીના દક્ષિણ અને પૂર્વી સ્પેનના મોટા ભાગોમાં પૂર આવ્યું હતું. વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતાં કેટેલોનિયાના ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અનેક કાર રસ્તા પર તણાઇ
ઘરોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા પોતાની કારની ઉપર ઉભા થઇ ગયા હતા. વેલેન્સિયાના શહેર યુટીએલના મેયર રિકાર્ડો ગેબલ્ડને કહ્યું કે તે તેમના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. અમે ફસાઈ ગયા હતા. અનેક કાર રસ્તાઓ પર પાણીમાં તણાતી જોવા મળી હતી. ઘણા લોકો હજુ પણ ગુમ છે.
મલાગા નજીક 300 લોકોને લઈ જતી હાઈ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, કોઈને ઈજા થઈ ન હતી. વેલેન્સિયા અને મેડ્રિડ વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. મેડ્રિડ અને બાર્સેલોના શહેરોની ટ્રેનો રદ કરવામાં આવી હતી. શાળાઓ અને અન્ય આવશ્યક સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. સરકારે ગુરુવારથી ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે.
સેંકડો લોકો વિવિધ સ્થળોએ ફસાયા છે
અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જાહેર સેવાઓ સાથે મેડ્રિડ અને વેલેન્સિયા વચ્ચેની ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વેલેન્સિયામાં શાળાઓ, સંગ્રહાલયો અને જાહેર પુસ્તકાલયો ગુરુવારે બંધ રહેશે. સીએનએન અનુસાર, લગભગ 1,200 લોકો હજુ પણ વેલેન્સિયામાં હાઇવેના વિવિધ ભાગો પર ફસાયેલા છે, અને વધતા પાણીને કારણે 5,000 વાહનો અટવાયા છે. Util અને Paporta જેવી નદીઓના પાણી નજીકના વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
નિષ્ણાતોના મતે, ભારે વરસાદનું કારણ ઠંડા અને ગરમ પવનોના સંયોજનને કારણે ગાઢ વાદળોની રચના થઇ હતી. આ વાદળો ભારે વરસાદનું કારણ બન્યા હતા. તાજેતરના સમયમાં વિશ્વમાં ઘણી જગ્યાએ આ પ્રક્રિયાને કારણે ભારે વરસાદ અને વિનાશની ઘટનાઓ બની છે. સ્પેનિશમાં આને 'ડાના'ની અસર કહેવામાં છે.
સહારાના રણમાં અચાનક આટલું પાણી કેવી રીતે દેખાયું? જાણો આ પહેલા પણ આવું બન્યું છે કે નહીં