Sri Lanka Economic Crisis: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અત્યારે કંગાળ થવાની સ્થિતિ પર પહોંચી ગયો છે. શ્રીલંકામાં મોંઘવારી નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશભરમાં વીજળી વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. વીજળી ના હોવાથી હોસ્પિટલોમાં દર્દીઓના ઓપરેશન અને સર્જરી પણ નથી થઈ શકતી. કાગળના હોવાથી પરીક્ષાઓ રદ્દ થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ ના હોવાથી રેલવે અને બસ સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે. વાહનવ્યવહાર ખોરવાઈ જતાં લોકોને પુરતું જમવાનું પણ નથી મળી રહ્યું.
શ્રીલંકામાં ખાદ્ય અનાજ અને જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે દેશની આ હાલત થવાનું કારણ લોકો શ્રીલંકાની સરકારોના પરિવારવાદને ગણાવી રહ્યા છે. લોકોના ગુસ્સાનું કારણ રાજપક્ષે પરિવાર છે કારણ કે શ્રીલંકાની સરકારના 5 મોટા ચહેરા રાજપક્ષે પરિવારમાંથી જ આવે છે. આ નેતાઓએ દેવુ કરીને સરકાર ચલાવી હોવાની જાણ લોકોને હવે થઈ છે. માટે હવે શ્રીલંકાની જનતા રાજપક્ષે પરિવારને જ દેશની કંગાળ થવાનું મુખ્ય કારણ ગણી રહી છે.
કઈ રીતે દેવાદાર અને પછી કંગાળ બન્યું શ્રીલંકાઃ
શ્રીલંકા કંગાળ બનવાના કારણ જોઈએ તો તેમાં ઘણા મુદ્દાઓ આવે છે. સાથે જ શ્રીલંકાની સરકારોની એવી નીતિઓ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે જેનાથી ભવિષ્યમાં આ સ્થિતિનું નિર્માણ થશે તેનો અંદાજ પણ સરકાર ના લગાવી શકી. શ્રીલંકા કંગાળ થવા માટેનું મુખ્ય કારણ સરકારની ખોટી નીતિઓ પ્રથમ આવે છે. જેમાંની સરકારની સૌથી મોટી ભૂલ લોકોને મફત સેવાઓ અને વસ્તુઓ આપવાની યોજનાઓ છે.
1. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે.
2. કોરોના મહામારી આવતાં પર્યટન ઉદ્યોગ બંધ પડી ગયો જેથી સરકારની આવક ઘટી
3. શ્રીલંકામાં થતા ભ્રષ્ટાચાર પર સરકારે કોઈ કામ ના કર્યું.
4. સરકારે રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મુકતાં ખેત પેદાશોનું ઉત્પાદન ઘટી ગયું.
5. અનાજનું પુરતા પ્રમાણમાં ઉત્પાદન ના થતાં મોંધવારી વધી ગઈ.
6. પર્યટન ઉદ્યોગ અને ઉત્પાદન બંને બંધ થઈ જતાં વિદેશી મૂડીનો ભંડાર ખાલી થઈ ગયો.
7. કડક શરતોને આધીન ચીન પાસેથી લીધેલી લોન શ્રીલંકા ના ચૂકવી શક્યું
8. ગુસ્સે થયેલી જનતાને મનાવવા માટે વસ્તુઓ મફત આપવાની યોજનાથી કંગાળ થયું
ICUમાં પહોંચી ગઈ શ્રીલંકાની અર્થવ્યવસ્થાઃ
એપ્રિલ 2021માં દેવું 3500 કરોડ ડોલર
એપ્રિલ 2022માં દેવું 5100 કરોડ ડોલર
એપ્રિલ 2021માં શ્રીલંકાનું કુલ દેવું 3500 કરોડ ડોલર હતું. જે પછી ફક્ત એક જ વર્ષમાં વધીને 5100 કરોડ ડોલર પર પહોંચી ગયું હતું. શ્રીલંકાના દેવાના કુલ ભાગમાં મોટા ભાગે એવા દેવાનો સમાવેશ થાય છે જેને ચુકવવા માટે શ્રીલંકાએ મોટી કિંમત ચૂકવવી પડશે. શ્રીલંકા સરકારે દેવું લઈને ઘણા જલસા કર્યા પણ જ્યારે આ દેવું ચુકવવાનો સમય આવ્યો ત્યારે ખજાનો ખાલી થઈ ગયો હતો. જનતા રસ્તા પર આવી ગઈ હતી. વિપક્ષ પણ લોકો સાથે રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યો છે.