Sri Lanka Thanks India : છેલ્લા એક વર્ષથી શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ભારે તોફાનો અને લોહિયાળ દેખાવો થયા હતાં. આ સ્થિતિમાં ભારતે સામે ચાલીને આગળ આવી શ્રીલંકાને મદદ કરી હતી. બીજી તરફ આ મામલે ભારતનો આભાર વ્યક્ત કરતા શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારતે શ્રીલંકાને જે પ્રકારની મદદ કરી છે તે પ્રકારની મદદ બીજા કોઈ જ દેશે કરી નથી. 


ગયા વર્ષે શ્રીલંકાને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ભારતે તેની પાડોશી પહેલાની નીતિ હેઠળ કોલંબોને લગભગ ચાર અબજ ડોલરની સહાય અલગ-અલગ માધ્યમથી આપી હતી. અહીં ઈન્ડિયન ટ્રાવેલ કોંગ્રેસના પ્રતિનિધિઓ માટેના ભવ્ય રાત્રિભોજનમાં પોતાના સંબોધનમાં અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારતે અમને નાણાકીય કટોકટી દરમિયાન બચાવ્યા, નહીં તો આપણે બધાએ વધુ એક રક્તપાતનો સામનો કરવો પડ્યો હોત.


ભારતનો માન્યો આભાર 


મહિન્દા યાપા અભયવર્ધને આર્થિક તંગીનો સામનો કરી રહેલા શ્રીલંકાને આપવામાં આવેલી મદદ બદલ ભારતનો આભાર માન્યો હતો. બંને દેશો અને તેમની સંસ્કૃતિ વચ્ચેના સંબંધો અને સમાનતાઓને યાદ કરી હતી. અભયવર્દનેએ કહ્યું હતું કે, શ્રીલંકા અને ભારત સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને રાજકીય રીતે ખૂબ નજીકથી જોડાયેલા દેશો છે. ભારત શ્રીલંકાનો ખૂબ જ નજીકનો સાથી અને વિશ્વાસુ મિત્ર રહ્યો છે. જ્યારે પણ અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતે હંમેશા અમારી મદદ કરી છે.


તેમણે કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, ભારત આપણા દેવાના પુનર્ગઠનને 12 વર્ષ સુધી લંબાવવા માટે તૈયાર છે. આવી અપેક્ષા ક્યારેય ન હતી અને ન તો ઇતિહાસમાં કોઈ દેશે આવી સહાય આપી છે.


ભારતના રાજદૂત નજીકના મિત્ર


અભયવર્ધનેએ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, શ્રીલંકાના પ્રવાસન અને જમીન મંત્રી હરિન ફર્નાન્ડો અને શ્રીલંકાની સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારતની પ્રશંસા કરી હતી. બાગલેનો ઉલ્લેખ કરતાં શ્રીલંકાની સંસદના સ્પીકરે કહ્યું હતું કે, અહીંના તમારા (ભારતીય) રાજદૂત અમારા ખૂબ નજીકના મિત્ર છે. અમે તેમને પ્રેમ અને આદર આપીએ છીએ.


પીટીઆઈ સાથેની વાતચીતમાં અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારત હંમેશા સંકટના સમયે શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું છે. તેમણે ગયા વર્ષે જ્યારે ટાપુ રાષ્ટ્ર આર્થિક સંકટમાં હતું ત્યારે નવી દિલ્હીને આપવામાં આવેલી નાણાકીય સહાય પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આનાથી અમને કટોકટી વચ્ચે 6 મહિના સુધી ટકી રહેવામાં મદદ મળી હતી.


https://t.me/abpasmitaofficial