ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ ભયાનક તબક્કે પહોંચી ગયું છે. આ યુદ્ધની વચ્ચે ઓસ્ટ્રેલિયાનું ઓપેરા હાઉસ ઈઝરાયેલના ધ્વજના વાદળી અને સફેદ રંગમાં રંગાઈ ગયું હતું. પરંતુ પેલેસ્ટાઈન સમર્થકો આનાથી નારાજ થયા હતા. તેના વિરોધમાં મોટી સંખ્યામાં હમાસ સમર્થકો એકઠા થયા હતા અને ઈઝરાયેલના ઝંડાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઈઝરાયેલના ધ્વજના રંગોમાં ઓપેરા હાઉસની રોશનીથી પેલેસ્ટિનિયનો ગુસ્સે થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઓપેરા હાઉસની બહાર લગભગ 2000 લોકો એકઠા થયા હતા. ઇઝરાયેલના ધ્વજને આગ લગાડવામાં આવી હતી. પોલીસે પેલેસ્ટાઇનના સમર્થકોને રોકવા માટે સિડની ઓપેરા હાઉસની આસપાસ સ્ટીલ કોર્ડન ગોઠવી દીધું હતું. આ રેલીનું આયોજન પેલેસ્ટાઈન એક્શન ગ્રુપ સિડની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ માસ્ક પહેર્યા હતા.
આ દરમિયાન પ્રદર્શનકારીઓ ઈઝરાયેલ વિરોધી અને યહૂદી વિરોધી નારા લગાવી રહ્યા હતા. ભીડમાં કેટલાક લોકો અલ્લાહુ અકબરના નારા પણ લગાવી રહ્યા હતા. કેટલાકે તો ઈઝરાયેલના ધ્વજને કચડી નાખતા પહેલા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયન પોલીસે સિડનીના યહૂદી સમુદાયને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું.
નોંધનીય છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1100 ઈઝરાયલી લોકોના મોત થયા છે. ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઇઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.
આતંકવાદી સંગઠન હમાસે શનિવારે ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. આ સિવાય હમાસના આતંકવાદીઓએ હવાઈ, જમીન અને દરિયાઈ સીમાથી ઘૂસીને નાગરિકો પર હુમલો કર્યો હતો. હમાસના આ હુમલાઓમાં લગભગ 700 નાગરિકો માર્યા ગયા છે. આ હુમલામાં ચાર અમેરિકન નાગરિકોના પણ મોત થયા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું હતુ કે આ હુમલામાં ઘણા અમેરિકન નાગરિકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપતા ઘણા મોટા પગલા લીધા છે. અન્ય દેશોને પણ આ સંઘર્ષથી દૂર રહેવા ચેતવણી આપી છે.