Pakistan: ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સૈયદ સલાહુદ્દીન પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો છે. તે એક આતંકવાદીના અંતિમ સંસ્કારમાં દેખાયો છે. તેના પર ભારતે કહ્યું છે કે આ ફરી એકવાર દર્શાવે છે કે આતંકવાદીઓને આશ્રય આપવાની અને ભારત વિરુદ્ધ પ્રોક્સી તરીકે ઉપયોગ કરવાની પાકિસ્તાનની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.


ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાન આ આતંકવાદીઓને આતંકવાદી માનતું નથી, તેથી જ તેઓ ત્યાં મુક્તપણે ફરે છે. તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે, ચૂંટણી લડે છે. આ એ પણ દર્શાવે છે કે પાકિસ્તાનમાં રાજકીય, આર્થિક તેમજ સામાજિક સમસ્યા છે.


FATF તરફથી પગલાં લેવાની અપીલ


ભારતે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને પણ આ મામલે પગલાં લેવાની અપીલ કરી છે. ભારતે કહ્યું, જ્યારે પાકિસ્તાન વાસ્તવમાં 'આતંકને સમર્થન આપતું રાષ્ટ્ર' છે. પાકિસ્તાન પોતાને FATF બ્લેકલિસ્ટમાંથી બહાર કાઢવા માટે જ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નાટક કરી રહ્યું હતું. FATF અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ આનું ધ્યાન રાખવું જોઈએ.


સૈયદ સલાહુદ્દીન રાવલપિંડીમાં જોવા મળ્યો


સલાહુદ્દીન હાલમાં જ પાકિસ્તાનના રાવલવિંડી શહેરમાં જોવા મળ્યો હતો. ભારતનો અન્ય એક વોન્ટેડ આતંકવાદી બશીર અહેમદ પીર તાજેતરમાં પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. તેમના મૃત્યુ બાદ રાવલપિંડીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં બશીરના અંતિમ સંસ્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આમાં સૈયદ સલાહુદ્દીન પણ જોવા મળે છે.




કોણ છે સૈયદ સલાહુદ્દીન?


સૈયદ સલાહુદ્દીન આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો વડા છે. આ સંગઠને ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઘણી મોટી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીની યાદીમાં સામેલ છે. અમેરિકાએ સૈયદ સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં મૂક્યો છે.