નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. દેશ છોડવાના પ્રયાસમાં લોકો ભટકી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા છે. વાસ્તવમાં કાબુલમાં અફવા ફેલાઇ ગઇ છે કે અમેરિકા કાબુલ એરપોર્ટ પર લોકોને દેશ છોડવામાં મદદ કરી રહ્યું છે. આ અફવાને કારણે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ બહાર એકઠા થઇ રહ્યા છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે તાલિબાનોએ કાબુલ એરપોર્ટ પાસેથી લગભગ 150 લોકોને ઉઠાવી ગયા હતા જેમાં મોટાભાગના ભારતીયો સામેલ હતા. જોકે તાલિબાનોએ આ ઘટનાનો ઇનકાર કર્યો હતો.


એએફપીના રિપોર્ટ અનુસાર તાલિબાનનો કો-ફાઉન્ડર સરકાર બનાવવાને લઇને ચર્ચા કરવા કાબુલ પહોંચ્યો છે. મુલ્લા અબ્દુલ ગની બરદાર કાબુલમાં જેહાદી નેતાઓ અને રાજકારણીઓ સાથે મુલાકાત કરશે. તાજેતરમાં જ તાલિબાની નેતાઓએ હામિદ કરઝઇ, અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે વર્તમાન તાલિબાન અગાઉના તાલિબાન કરતા વધુ ઉદાર હશે.



કાબુલ એરપોર્ટ પર અમેરિકા અને બ્રિટનના સૈનિકોને અલગ કરવા માટે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. તાર અને ગેટની આસપાસ એકઠા થયેલા અફઘાનિસ્તાનના લોકો વિદેશી સૈનિકો પાસે મદદ માંગી રહ્યા છે. સ્થાનિક મીડિયા અને અમેરિકન રિપોર્ટર દ્ધારા ટ્વિટ કરવામાં આવેલા એક વીડિયોમાં જોઇ શકાય છે કે તાલિબાનના ડરથી દેશ છોડવાના પ્રયાસમાં અફઘાની લોકો કાંટાળા તાર પર ચઢીને બીજી તરફ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.


તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની સુરક્ષા હક્કાની નેટવર્કના વરિષ્ઠ નેતાઓના હાથમાં સોંપી દીધી છે. જેના અલ કાયદા સાથે લાંબા સમયથી સંબંધો છે. પશ્વિમી જાસૂસી અધિકારીઓના કહેવા પ્રમાણે આમ થવું ખતરનાક રહેશે. 1996થી 2001 સુધી દેશ પર શાસન કરનારા તાલિબાને અગાઉ કરતા વધુ ઉદારવાદી રસ્તે ચાલવાનું વચન આપ્યું છે પરંતુ આ નિર્ણય તે વચનનો ભંગ કરતું હોય તેવું લાગી રહ્યું છે.


કાબુલમાંથી તાલિબાને કેટલાક લોકોનું કર્યું અપહરણ, ભારતીયો પણ સામેલઃ સૂત્ર


કાબુલમાં જોવા મળ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ 35 કરોડનું ઇનામ જાહેર કર્યું છે