તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી છે. મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી અને અબ્દુલ ગની બરાદર નાયબ વડાપ્રધાન બનશે. નવી સરકારમાં કુલ 33 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે, જોકે તેમાં કોઈ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તાલિબાને સમાવેશી સરકાર બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ મંત્રીમંડળમાં હજારા સમુદાયનો એક પણ સભ્ય નથી.
અફઘાન મંત્રીમંડળમાં તાલિબાનની ટોચની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્ય છે જેમણે અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધન અને તત્કાલીન અફઘાન સરકાર સામે 20 વર્ષના યુદ્ધમાં પ્રભુત્વ મેળવ્યું હતું. આમાં વૈશ્વિક સ્તરે આતંકવાદી એવા હક્કાની નેટવર્કના નેતાને ગૃહમંત્રીનો હવાલો આપવામાં આવ્યો છે.
અગાઉના તાલિબાન શાસનના છેલ્લા વર્ષોમાં, અખુંદે વચગાળાના વડા પ્રધાન તરીકે કાબુલમાં તાલિબાન સરકારનું નેતૃત્વ કર્યું. મુલ્લા હસન તાલિબાનની શરૂઆતની જગ્યા કંદહારનો છે અને સશસ્ત્ર ચળવળના સ્થાપકોમાંનો એક છે. તેમણે 20 વર્ષ સુધી 'રહબારી શૂરા'ના વડા તરીકે સેવા આપી હતી અને મુલ્લા હેબતુલ્લાની નજીક માનવામાં આવે છે. તેમણે 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકાર દરમિયાન વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.
સિરાજુદ્દીન હક્કાનીનું નામ વૈશ્વિક સ્તરના આતંકવાદીઓની યાદીમાં છે. અમેરિકાએ તેના વિશે જાણકારી આપવા પર 50 લાખ ડોલરના ઇનામની જાહેરાત કરી છે. યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) વેબસાઈટ અનુસાર, 2008માં તે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈની હત્યાના કાવતરામાં પણ કથિત રીતે સામેલ હતો.
33 તાલિબની મંત્રીઓની સંપૂર્ણ યાદી
- મુલ્લા હસન અખુંદ - કાર્યવાહક વડાપ્રધાન
- મુલ્લા બરાદર - નાયબ વડાપ્રધાન
- સિરાજુદ્દીન હક્કાની - ગૃહ મંત્રી
- મૌલવી મોહમ્મદ યાકોબ- સંરક્ષણ મંત્રી
- ઝબીહુલ્લાહ મુજાહિદ - નાયબ માહિતી મંત્રી
- આમિર ખાન મુત્કી - વિદેશ મંત્રી
- મૌલવી નુરુલ્લા મુનીર - શિક્ષણ મંત્રી
- અબ્દુલ હકીમ શરિયા - કાયદા મંત્રી
- અબ્દુલ બાકી હક્કાની - ઉચ્ચ શિક્ષણ મંત્રી
- મુલ્લા મોહમ્મદ યુનુસ અખુંદઝાદા - ગ્રામીણ અને વિકાસ મંત્રી
- ખલીલુર રહેમાન હક્કાની - શરણાર્થી બાબતોના મંત્રી
- મિલા અબ્દુલ મનન ઓમારી - જન કલ્યાણ મંત્રી
- નજીબુલ્લાહ હક્કાની - ટેલિકોમ મંત્રી
- મુલ્લા મોહમ્મદ એસ્સા અખુંદ - પેટ્રોલિયમ ખાણ મંત્રી
- મુલ્લા અબ્દુલ લતીફ મન્સૂર - જળ અને ઉર્જા મંત્રી
- હમીદુલ્લા અખુંદઝાદા - નાગરિક ઉડ્ડયન મંત્રી અને પરિવહન મંત્રી
- મુલ્લા ખૈરુલ્લાહ - સંસ્કૃતિ મંત્રી
- કારી દિન હનીફ - ઉદ્યોગ મંત્રી
- મૌલવી નૂર મોહમ્મદ સાકિબ - હજ મંત્રી
- નૂરુલ્લાહ નૂરી - આદિજાતિ બાબતોના મંત્રી
- શેર મોહમ્મદ સ્ટેનેકઝાઈ - નાયબ વિદેશ મંત્રી
- મુલ્લા મોહમ્મદ ફાઝિલ - નાયબ સંરક્ષણ મંત્રી
- મૌલવી નૂર જલાલ - નાયબ ગૃહમંત્રી
- ઝબીઉલ્લાહ મુજાહિદ - માહિતી અને સંસ્કૃતિ નાયબ મંત્રી
- કારી ફસિહુદ્દીન - સેના પ્રમુખ
- મુલ્લા ફઝલ અખુંદ - આર્મી ચીફ
- અબ્દુલ હક વસિક- ગુપ્તચર વિભાગના નિયામક
- મુલ્લા તાજમીર જવાદ - ગુપ્તચર વિભાગના નાયબ વડા
- મુલ્લા રહેમતુલ્લાહ નજીબ - ગુપ્તચર વિભાગના વહીવટી નાયબ વડા
- હાજી મોહમ્મદ ઇદ્રીસ - સેન્ટ્રલ બેંકના ડિરેક્ટર
- અહેમદ જાન અહમદી - રાષ્ટ્રપતિના વહીવટી કાર્યાલયના નિયામક
- શેખ મોહમ્મદ ખાલિદ-દાવત-ઉ-ઈર્શાદના મંત્રી
- મુલ્લા અબ્દુલહક અખુંદ - આંતરિક ડ્રગ અટકાયત બાબતોના નાયબ મંત્રી