Terrorist Attack in Pakistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ 23 લોકોની હત્યા કરી હતી. સોમવારે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં, બંદૂકધારીઓએ 23 લોકોને બળજબરીથી તેમના વાહનોમાંથી ઉતારીને  ગોળી મારી દીધી હતી. એએફપીના અહેવાલ મુજબ બલૂચિસ્તાન પ્રાંતના મુસાખેલ જિલ્લામાં આતંકવાદીઓએ અનેક બસો, ટ્રકો અને વાનને રોકી હતી. આતંકવાદીઓએ તેમની જાતિ ઓળખીને લોકોને ગોળી મારી હતી. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે. મુસાખેલના વરિષ્ઠ અધિકારી નજીબુલ્લાહ કાકરે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ પંજાબને બલૂચિસ્તાન સાથે જોડતા હાઈવે પર ઘણી બસો, ટ્રકો અને વાન રોકી હતી. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા, જ્યારે 5 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે પંજાબથી આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી હતી અને પંજાબથી આવતા લોકોની ઓળખ કરીને જાત પુછીને  તેમને ગોળી મારવામાં આવી હતી.






 10 વાહનોને આગ ચાંપી દીધી


પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, સહાયક કમિશનર નજીબ કાકરે કહ્યું કે, હથિયારબંધ શખ્સોએ મુસાખેલ ખાતે હાઈવે બ્લોક કરી દીધો અને મુસાફરોને નીચે ઉતાર્યા. તેઓએ 10 વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.'આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં'


આ ઘટના બાદ મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ આતંકવાદી ઘટનાની સખત નિંદા કરી હતી. નિવેદન અનુસાર, તેમણે આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં. બલૂચિસ્તાનની સરકાર ગુનેગારોને સજા આપવાનું ચાલુ રાખશે.


પાકિસ્તાનની પંજાબ સરકારના પ્રવક્તા આઝમા બુખારીએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ હિંસાનું વિચલિત કરનાર ઉદાહરણ છે. આ હુમલાની પેટર્ન લગભગ 4 મહિના પહેલા થયેલી હિંસા જેવી જ હતી. એપ્રીલમાં થયેલા હુમલામાં, નવ મુસાફરોને બળજબરીથી બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને ઓળખ બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.