Karachi Police Head Quarter Attack: પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદીઓએ પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર હેડક્વાર્ટરમાં 10થી વધુ આતંકીઓ હાજર છે. આ સાથે આતંકવાદીઓ બહુમાળી ઈમારતની અંદર પણ ઘૂસી ગયા છે. કરાચી પોલીસ ઓફિસની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી છે. તમામ દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
હુમલાખોરોએ પોલીસ હેડક્વાર્ટરની પાછળથી ગ્રેનેડ ફેંક્યો હતો અને બાદમાં તેઓએ ચાર માળની ઇમારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ વિસ્ફોટ કર્યો અને ગોળીબાર કર્યો ત્યારે સ્ટાફ હજુ પણ પોલીસ વડાની ઓફિસમાં હાજર હતો. પોલીસ હેડક્વાર્ટર પર ભારે પોલીસ ફોર્સ પહોંચી ગઈ છે.
10 થી વધુ હુમલાખોરો જૂથોમાં વહેંચાયેલા છે
આતંકવાદીઓએ હુમલો કરતા પોલીસ સ્ટેશનના વડાની ઓફિસની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ હુમલાખોરોની સંખ્યા અને તેમના ઠેકાણાની ચકાસણી કરી રહ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓ બીજા પ્રવેશ દ્વારથી ઇમારતમાં પ્રવેશ્યા હતા. તો બીજી તરફ, આતંકવાદીઓ દ્વારા ઘેરાયેલા પોલીસ અધિકારીએ સાથી અધિકારીઓને સંદેશ આપ્યો કે પોલીસ વડાની ઓફિસમાં 10 થી વધુ હુમલાખોરો જૂથોમાં વહેંચાયેલા છે. કરાચી પોલીસ ઓફિસ (KOP) ના પાછળના માર્ગમાંથી હુમલાખોરો ભારે હથિયારોનો ઉપયોગ કરીને પોલીસ ટીમ પર ગોળીબાર કરી રહ્યા છે. આતંકવાદીઓ અલગ-અલગ જગ્યાએ બેસીને ગ્રેનેડ ફેંકી રહ્યા હતા, અંદરથી ગોળીબાર કરી રહ્યા હતા. આ પહેલા પણ આતંકીઓએ મિયાંવાલી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
રેન્જર્સન ટુકડીઓ પહોંચી ઘટના સ્થળે
પોલીસ હેડક્વાર્ટરને પોલીસ અને રેન્જર્સની ભારે ટુકડીથી ઘેરી લેવામાં આવ્યું છે. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચેની ગોળીબારમાં એક બચાવકર્મી ઘાયલ થયો હતો અને બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ઘાયલ જવાનને જિન્નાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત જવાનની ઓળખ 25 વર્ષીય સાજીદ તરીકે થઈ છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, સાજિદને કથિત રીતે બે ગોળી વાગી હતી. તો બીજી તરફ, જિન્નાહ હોસ્પિટલ કરાચીમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે કરાચી પોલીસ વડાની ઓફિસ પર થયેલા હુમલાની નોંધ લીધી હતી. સિંધ પ્રાંતના મુખ્ય પ્રધાન મુરાદ અલી શાહે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) ને KOPમાં ટીમો મોકલવા અને હુમલાખોરોની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે સંબંધિત અધિકારી પાસેથી વારંવાર સમયાંતરે અહેવાલો માંગ્યા છે.