Mahadev App: સટ્ટાબાજીના આરોપમાં મહાદેવ એપના પ્રમોટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એપના પ્રમોટર અને માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યો છે. યુએઈ સરકારે ઇડીની વિનંતી પર ચંદ્રાકર વિરુદ્ધ જાહેર કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે. જોકે EDએ આ વાતની સત્તાવાર પુષ્ટી કરી નથી.
કેટલાક મીડિયા જૂથોએ સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી હતી. દુબઈમાં સૌરભ ચંદ્રાકરના ઘરને તાળું મારી દેવામાં આવ્યું છે અને તેને નજરકેદમાં રાખવામાં આવ્યો છે. ચંદ્રાકરને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભ ચંદ્રાકરને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જો તેને છોડવામાં આવશે તો તે ભાગી શકે છે. UAEના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.
મહાદેવ એપ સટ્ટાબાજીનો અડ્ડો બની ગયો હતો
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતો અને ચૂંટણી પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. એપનું નેટવર્ક ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું અને છત્તીસગઢમાં સૌથી વધુ ખાતા ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.
મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી બ્રાન્ચ ખોલવામા આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક બ્રાન્ચને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. યુઝર્સને ફક્ત શરૂઆતમાં જ નફો મળે છે અને પછી નુકસાન થાય છે. બંનેએ 80 ટકા હિસ્સો પોતાની પાસે રાખતા હતા. તે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે ફક્ત 30 ટકા યુઝર્સ જ જીતશે અને બાકીના હારી જશે.
થોડા વર્ષો પહેલા સુધી સૌરભ ચંદ્રાકર છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 'જ્યુસ ફેક્ટરી' નામથી જ્યુસની દુકાન ચલાવતો હતો. રસ્તાના કિનારે જ્યુસ વેચનારની આવક મર્યાદિત છે, પરંતુ સૌરભ ચંદ્રાકરે કંઈક મોટું કરવું હતું, મોટી કમાણી કરવી હતી. પહેલા તો તેણે પોતાની જ્યુસની દુકાન જ વિસ્તારવાની શરૂઆત કરી, છત્તીસગઢના ઘણા શહેરોમાં જ્યુસ ફેક્ટરી નામની દુકાનો ખોલી. જ્યુસ વેચવાની સાથે સૌરભ ચંદ્રાકરને સટ્ટાબાજીની પણ આદત હતી. અગાઉ તે ઓફલાઇન સટ્ટો રમતો હતો. પરંતુ કોરોનાને કારણે તેણે ઓનલાઈન સટ્ટો લગાવવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન તેણે સટ્ટાબાજીની એપ બનાવવાનું નક્કી કર્યું અને રવિ ઉપ્પલ નામના વ્યક્તિ સાથે મળી મહાદેવ બેટિંગ એપ શરૂ કરી.