પાકિસ્તાની આર્મીએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન આર્મીએ ઈન્ટરનેશનલ મીડિયાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના વીડિયો બતાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના વડા અમિત માલવીયે ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ દાવો કર્યો હતો.
વધુમાં અમિત માલવીયે કહ્યું હતું કે પાકિસ્તાની સેના કોગ્રેસ નેતાઓના નિવેદનનો ઉપયોગ કરીને ભારત પર દોષ ઢોળી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સામે પાકિસ્તાની આર્મીએ પોતાના દાવાઓની પુષ્ટી માટે મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસ નેતાઓના વીડિયો બતાવ્યા હતા. ધ્રુવ રાઠી, નેહા સિંહ રાઠોર અને રાકેશ ટિકેતની ક્લિપ બતાવી જેથી ભારતને નકારાત્મક રીતે રજૂ કરી શકાય.
આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. વાસ્તવમાં પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય મીડિયા સામે ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને રાહુલ ગાંધીનો એક જૂનો વીડિયો પ્રદર્શિત કર્યો હતો. આ વીડિયો દ્વારા પાકિસ્તાને પહલગામ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.
પત્રકારોને સંબોધન કરતી વખતે પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે, "ભારતે પોતાના રાજકીય લાભ માટે પુલવામામાં હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો જેથી તેઓ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરીને ચૂંટણી જીતી શકે."
પાકિસ્તાની સેનાનું આ નિવેદન સત્યપાલ મલિકના નિવેદનનું પુનરાવર્તન કરતું આવ્યું છે. પાકિસ્તાની સેનાએ વધુમાં કહ્યું કે ભારત સરકાર ફરીથી એ જ કામ કરી રહી છે અને ઇતિહાસનું પુનરાવર્તન કરી રહી છે. તે પોતાના ફાયદા માટે નિર્દોષ કાશ્મીરી લોકોને જોખમમાં મુકી રહી છે.
પાકિસ્તાને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારતીય સેનાએ પહલગામ હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. 8 મેથી બંને દેશો વચ્ચે હવાઈ હુમલા ચાલુ છે. ભારતીય સશસ્ત્ર દળોએ અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે. પાકિસ્તાની સેના એલઓસી પર સતત ગોળીબાર કરી રહી છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પરથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે.