દુબઈ: અબુધામીમાં બીએપીએસના મંદિરની શિલાન્યાસ વિધિ 20 એપ્રિલના રોજ મંહતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે. તે પહેલાં અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ દ્વારા રવિવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બી.આર.શેટ્ટી, યુસુફ અલી જેવા 60થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં બાપ્સ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે અબુધાબીમાં બની રહેલા હિંદુ મંદિરની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં મંદિર નિર્માણની જાહેરાતથી લઈને તે અંગેનો ઈતિહાસ અને ભવિષ્યની ચર્ચા-વિચારણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે UAE(યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબી ખાતે પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજ 18થી 29 એપ્રિલ દરમિયાન ખાતમુહૂર્ત-શિલાન્યાસ વિધિ માટે સૌપ્રથમ વખત UAE આવી રહ્યા છે.

જે અંતર્ગત 20મી એપ્રિલના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પરંપરાગત શૈલીના પ્રથમ BAPS હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ અબુ મુરૈખા ખાતે યોજાશે.