અફઘાનિસ્તાન (Afghanistan) માં 20 વર્ષ બાદ તાલિબાન (Taliban) ફરી સત્તામાં આવી ગયું છે. રવિવારે તાલિબાને રાજધાની કાબુલ પર કબ્જો કર્યો. બીજા જ દિવસે તાલિબાન લડવૈયાઓ (Talibani Fighters) કાબુલના એક મનોરંજન પાર્કમાં મસ્તી કરતા જોવા મળ્યા. તેના વીડિયો (Taliban Video) પણ સામે આવ્યા છે.
અમ્યુઝમેન્ટ પાર્કમાં તાલિબાનીઓ મસ્તી કરતા હોય તેવા બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં તાલિબાનીઓને હાથમાં બંદૂક સાથે ઇલેક્ટ્રિક કાર ચલાવતા બતાવવામાં આવ્યા છે. અન્ય વીડિયોમાં કેટલાક તાલિબાનીઓ ઘોડા પર સવારી કરતા જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કાબુલ કબજે કર્યા બાદ તાલિબાન કેવી મજા કરી રહ્યા છે. એક તરફ તાલિબાન આવતાની સાથે જ જ્યાં સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતાં ડરે છે. દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી બાજુ તાલિબાનો મજા કરી રહ્યા છે.
રવિવારે તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સોમવારનો પહેલો દિવસ હતો. ટોલો ન્યૂઝ અનુસાર એક દિવસમાં અફઘાનિસ્તાનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મોટાભાગની દુકાનો, ધંધા, સરકારી કચેરીઓ વગેરે બંધ રહ્યા હતા. ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી. તે જ સમયે મહિલાઓના જાહેર દેખાવમાં ઘટાડો થયો હતો.
ટોલો ન્યૂઝ સાથે વાત કરતા, ઘણા રહેવાસીઓએ કહ્યું કે સરકારી સંસ્થાઓ વહેલી તકે ખોલવી જોઈએ, જેથી લોકો તેમના કામ પર જઈ શકે. કેટલાક લોકોએ શહેરમાં ગેરકાયદે સશસ્ત્ર જૂથોની હાજરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ કહ્યું કે આવનારા સમયમાં તેઓ ઓછામાં ઓછા ઘરની બહાર નીકળશે.