Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશો પર પણ પડવા લાગી છે. જેમા ઈસ્લામિક દેશો પર તેની સીધી અસર થઈ રહી છે. જેથી તેઓ હવે ભારત પાસે મદદ માગી રહ્યા છે. હકિકતમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે અંદાજે 200 મિલિયન ટન ઘઉની નિકાસ થાય છે. આ નિકાસમાં રશિયા અને યુક્રેનની ભાગીદારી 50-50 મિલિયન ટન માનવામાં આવે છે. જ્યારે બાકીના 100 મિલિયન ટનમાં દુનિયાના અન્ય દેશો આવે છે.


લેબનોનમાં ભૂખમરાના એંધાણ


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે બંને દેશોની ઘઉંની નિકાસ અચાનક બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘઉં પર નિર્ભર વિશ્વના અન્ય દેશોમાં અનાજની અચાનક અછત ઉભી થઈ છે. આ દેશોમાં ઈસ્લામિક દેશ લેબનોન પણ સામેલ છે. આ દેશ પોતાની જરૂરિયાતના લગભગ 60 ટકા એટલે કે 50 હજાર ટન ઘઉં રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંનો આ પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેના કારણે લેબનોનમાં ઘઉની અછત સર્જાવા લાગી છે, તેમની પાસે ઘઉંનો અનામત સ્ટોક પણ સતત ઘટવા લાગ્યો છે. જેથી લેબનોન ભારત પાસે મદદ માગી રહ્યું છે.


ભારત પાસે મદદની અપીલ


આ અંગે તુર્કીની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, લેબનાનના વેપાર મંત્રી અમીન સલામે લેબનોનમાં ભારતના રાજદૂત ડૉ.સોહેલ એજાઝ ખાન સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન લેબનીઝ મંત્રીએ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો બંધ થવાની માહિતી આપી અને ભારત પાસે મદદની અપીલ કરી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતના રાજદૂત ડૉ. સોહેલ એજાઝ ખાને લેબનીઝ મંત્રીને મદદનું આશ્વાસન આપ્યું છે. રાજદૂતે કહ્યું કે ભારત પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે અને તે લેબનોનને સપ્લાય કરવા માટે બનતા જરુરી પગલાં લેશે. એક રિપોર્ટ અનુસાર, લેબનાને તેના અનાજ સંકટને દૂર કરવા માટે તુર્કી અને અન્ય દેશો સાથે પણ વાતચીત કરી છે. તેમને ચિંતા છે કે દેશમાં ઘઉંનો અનામત સ્ટોક સતત ખતમ થઈ રહ્યો છે. જો દેશમાં સમયસર ઘઉંની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લાખો લોકોને ભૂખમરાની ઝપેટમાં આવી જશે.


યુક્રેનના બાળકોની મદદે આવ્યો ટેનિસ સ્ટાર


રશિયા અને યુક્રેન  યુદ્ધની અસર કેટલી ભયંકર થઈ તે આંકડા જાણીને સમજી શકાય છે. આ અંગે યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર, યુક્રેનના લગભગ 30 લાખ એટલે કે 7% લોકોએ દેશ છોડી દીધો છે. તો બીજી તરફ, એક અંદાજ મુજબ, યુક્રેનમાં રહેતા અને વિસ્થાપિત લોકોમાં 60 લાખ એવા બાળકો છે જેઓ શાળાથી દૂર થઈ ચૂક્યા છે. હવે ટેનિસ સ્ટાર રોજર ફેડરર આવા બાળકોની મદદ માટે આગળ આવ્યો છે. તેમના ફાઉન્ડેશને આ બાળકોને મદદ કરવા માટે 3.8 કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે. રોજર ફેડરરે એક ટ્વીટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી