lebanon: દક્ષિણ લેબનોનમાં એન-અલ-હિલવે શરણાર્થી શિબિર પર મંગળવારે ઈઝરાયલે કરેલી એરસ્ટ્રાઈકમાં 13 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધમાં યુદ્ધવિરામ થયા પછી લેબનોન પર આ સૌથી ઘાતક હુમલો છે. સરકારી મીડિયા અનુસાર, ડ્રોનથી સિદોનની બહાર એક મસ્જિદના પાર્કિંગમાં પાર્ક કરેલી કારને નિશાન બનાવવામાં આવી હતી. લેબનોનના આરોગ્ય મંત્રાલયે 11 લોકોના મોતની પુષ્ટી કરી હતી, જ્યારે હમાસના આતંકવાદીઓએ પત્રકારોને ઘટનાસ્થળે પહોંચતા અટકાવ્યા હતા.
ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે હમાસના "ટ્રેનિંગ કમ્પાઉન્ડ" ને નિશાન બનાવ્યું હતું જ્યાં ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારીઓ થઈ રહી હતી. હમાસે આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે હુમલો રમતગમતના મેદાન પર થયો હતો અને તેને "જઘન્ય ગુનો" ગણાવ્યો હતો.
ઇઝરાયલે અગાઉ પણ હુમલાઓ કર્યા છે
છેલ્લા બે વર્ષમાં ઇઝરાયલી હુમલાઓમાં હિઝબુલ્લાહ અને હમાસના અનેક ટોચના કમાન્ડરો માર્યા ગયા છે, જેમાં 2 જાન્યુઆરી, 2024 ના રોજ બેરુતના દક્ષિણ ઉપનગરમાં થયેલા હુમલામાં હમાસના નેતા સાલેહ અલ-અરુરીના મૃત્યુનો સમાવેશ થાય છે. ઇઝરાયલી સૈન્યએ વધુમાં જણાવ્યું હતું કે તે હમાસ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા હુમલા પછી શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધે આ પ્રદેશમાં ભારે તણાવ ઉભો થયો છે. બીજા દિવસે હિઝબુલ્લાહના હુમલાઓ બાદ 2024 માં સંઘર્ષ પૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો, જેમાં 4,000થી વધુ લોકો માર્યા ગયા અને લેબનોનમાં 11 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું.
નવેમ્બર 2024 માં યુએસ મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો હતો, પરંતુ ઇઝરાયલે ત્યારથી લેબનોનમાં ડઝનબંધ હુમલાઓ કર્યા છે અને દાવો કર્યો છે કે હિઝબુલ્લાહ તેની ક્ષમતાઓ ફરીથી વધારી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ પછી 270 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 850 લોકો ઘાયલ થયા છે.