નવી દિલ્હીઃ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું છે ત્યારે માણસ તો ઠીક પણ અમેરિકાના ન્યૂયોર્કમાં એક પ્રાણીસંગ્રહાલયમાં એક વાઘણને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કહેવાય છે કે, પ્રાણીસંગ્રલાયના એક કર્મચારી મારફત વાયરસ વાઘણ સુધી પહોંચ્યો છે. એવામાં આ પ્રથમ જંગલી જાનવર છે જેને આ વાયરસનો ચેપ લાગ્યો છે.


અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 11 હજાર 635એ પહોંચી ગઈ છે. મરનાર લોકોની સંખ્યા 8454 થઈ ગઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1224 લોકોના અને ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630નાં મોત નિપજ્યાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે, બે સપ્તાહમાં અનેક જીવ જશે. સ્પેનમાં 1.26 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 12,418 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટલીમાં 1 લાખ 24 હજાર 632 કેસ નોંધાયા છે અને 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પહોંચવા આવી છે.

કોરોના વાયરસ સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સિક્લોક્વિનની અછત સર્જાઈ છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હાલમાં જ તેને કોવિડ-19 વિરુદ્ધ રામબાણ ગણાવી હતી. શનિવારે ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી હાઈડ્રોક્સિક્લોરોક્વિન માગી હતી. જોકે તેના બીજા જ દિવસે રવિવારે ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ વધુ કડક કરી દીધો હતો.

ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાન મોદીને પહેલાં ઓર્ડર કરાયેલી દવા મોકલવાનો આગ્રહ કર્યો છે. મોદી તેના પર ગંભીરતાથી વિચારી રહ્યા છે. અગાઉ મોદીએ પણ કહ્યું હતું કે તેમણે મહામારી વિરુદ્ધના જંગમાં ભારત-અમેરિકાની ભાગીદારીની સંપૂર્ણ તાકાત લગાવવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, કોરોનાના સંકટ દરમિયાન ભારત સરકારે 25 માર્ચે જ હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.