નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે બે દિવસ પહેલા સૌથી મોટો નિર્ણય લીધો હતો. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. આ એપ્સના ભારતમાં લાખો-કરોડો યૂઝર્સ હતા. ટિક ટોક પર પ્રતિબંધ બાદ CEO કેવિન મેયરે ભારતીય કર્મચારીઓને એક પત્ર લખ્યો છે.


કંપની વેબસાઈટ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે, ટિકટોકમાં ,અમારો પ્રયાસ ઈન્ટરનેટના લોકતંત્રીકરણ કરવામાં અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે માનીએ છીએ ઘણા અંશે અમે સફળ થયા છીએ. જોકે, અમે અમારા મિશન માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છીએ તથા હિતધારકો સાથે મળી કામ કરી રહ્યા છીએ. ભારતીય કાનૂનના તમામ ડેટા ગોપનીયતા અને જરૂરી સુરક્ષાનું પાલન કરવાનું કામ ટિકટોક કરતું રહેશે.

મેયરે ભારતમાં અમારા કર્મચારીઓ માટે સંદેશ ટાઇટલથી લખેલી પોસ્ટમાં કહ્યું, 2018થી અમે આકરી મહેનત કરી છે અને ભારતમાં 200 મિલિયનથી વધારે યૂઝર્સ પોતાની ખુશી અને રચનાત્મકતાને વ્યક્ત કરવામાં સક્ષમ છે. ભારતમાં કર્મચારીઓની નોકરીની સુરક્ષાને લઈ વધતી ચિંતા વચ્ચે સીઈઓ લખ્યું, અમારા કર્મચારી અમારી સૌથી મોટા તાકાત છે. તેમની ભલાઈ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે 2000થી વધારે મજબૂત અધિકારીઓને પણ આશ્વાસન આપ્યું છે કે, અમે અમારાથી શક્ય તેટલા તમામ પ્રયાસ કરીશું.

ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ વીડિયો શેરિંગ એપ ટિકટોક મંગળવારથી દેશમાં બંધ થઈ ગયું છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી તેને હટાવી દેવામાં આવી છે.  એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારા મોબાઈલમાં ભલે પ્રતિબંધિત એપ હોય પરંતુ તમે તેને અપડેટ નહીં કરી શકો. ઉપરાંત ભારતમાં તેને કોઈ પ્રકારનો ડેવલપર સપોર્ટ પણ નહીં મળી શકે.