Tiktok CEO Testifies Before US Congress: ટિકટોકના સીઈઓ Shou Zi Chewએ વધતી સુરક્ષા ચિંતાઓ અને કંપની પર ચીન સરકારના સંભવિત પ્રભાવ વચ્ચે ગુરુવારે (23 માર્ચ) યુએસ કોંગ્રેસ સમક્ષ જુબાની આપી હતી. Shou Zi Chewએ હાઉસ એનર્જી એન્ડ કોમર્સ કમિટીના ઘણા અઘરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
ચાર કલાક ચાલેલી સુનાવણી દરમિયાન Shou Zi Chewએ વારંવાર ભાર મૂક્યો હતો કે ચીની IT કંપની ByteDanceની માલિકીની TikTok એપ ચીનની સરકાર સાથે ડેટા શેર કરતી નથી. તેમણે એમ પણ કહ્યું કે યુએસમાં તેના 150 મિલિયન યુઝરનો ડેટા પણ સુરક્ષિત છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) સાથે શેર કરતી નથી.
ભારતમાં પ્રતિબંધ પર પૂછવામાં આવ્યો પ્રશ્ન
યુએસ સાંસદ ડેબી લેસ્કોએ ભારત અને અન્ય દેશોમાં ટિકટોક પર પ્રતિબંધનો ઉલ્લેખ કરતા પ્રશ્ન પૂછ્યો હતો, "તે (ટિકટોક) એક એવું સાધન છે જે ચીન સરકારના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ ઉભી કરે છે. આ બધા દેશો અને અમારા એફબીઆઈના ડિરેક્ટર ખોટા કેવી રીતે હોઇ શકે છે? જેના પર Shou Zi Chewએ કહ્યું હતું કે "મને લાગે છે કે ઉલ્લેખિત ઘણા આરોપો કાલ્પનિક અને સૈદ્ધાંતિક છે. મને હજુ સુધી આના કોઈ પુરાવા મળ્યા નથી. ભારતે જે આધાર પર પ્રતિબંધ લગાવ્યો તે કાલ્પનિક છે." આના પર ડેબી લેસ્કોએ ફરી એકવાર સુરક્ષાની ચિંતાને દોહરાવી અને ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ અંગે ચર્ચા કરી હતી.
યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવાનો દાવો
ભારતે 2020માં Tiktok પર પ્રતિબંધ મૂક્યો હતો. ડેબી લેસ્કો 21 માર્ચના ફોર્બ્સના લેખનો ઉલ્લેખ કરતા જાહેર કર્યું કે કેવી રીતે TikTok નો ઉપયોગ કરતા ભારતીય નાગરિકોનો ડેટા કંપની અને તેના બેઇજિંગ સ્થિત માસ્ટર્સ સુધી પહોંચી રહ્યો છે. આના જવાબમાં Shou Zi Chewએ જવાબ આપ્યો હતો કે તે એક તાજેતરનો લેખ છે; મેં મારી ટીમને તેની તપાસ કરવા કહ્યું છે. અમારી પાસે કડક ડેટા એક્સેસ પ્રોટોકોલ છે. એવી કોઈ વસ્તુ નથી કે કોઈ પણ ટૂલને એક્સેસ કરે. તેથી હું ઘણા તારણો સાથે અસંમત છું.
ભારતે 2020માં પ્રતિબંધ મૂક્યો હતો
ભારતે ગોપનીયતા અને સુરક્ષાની ચિંતાઓને કારણે 2020માં મેસેજિંગ એપ્સ WeChat, Tiktok અને અન્ય ડઝનેક ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. LAC પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પછી તરત જ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.