ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર જે હુમલો કર્યો હતો, તેનું સાચું કારણ હવે દુનિયા સામે આવી ગયું છે. અત્યાર સુધી એવો દાવો કરવામાં આવતો હતો કે અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે અને તેને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માંગે છે. પરંતુ યુદ્ધમાં એક મહિનો વિતાવ્યા પછી ખુદ ટ્રમ્પે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમનો અસલી ટાર્ગેટ ઈરાનનું તેલ અને ખાસ કરીને તેના 'ખાર્ગ આઈલેન્ડ' પર કબજો કરવાનો છે. જોકે, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ કરી દેવી, નાટો દેશો તરફથી કોઈ મદદ ન મળવી અને હવે ઈઝરાયલે પણ પોતાની સેના ઈરાનની જમીન પર મોકલવાની ચોખ્ખી ના પાડી દેતા, ટ્રમ્પ માટે પોતાનો આ મનસૂબો પાર પાડવો અત્યંત મુશ્કેલ બની ગયો છે.

ખાર્ગ આઈલેન્ડ પાછળ કેમ પડી છે અમેરિકાની નજર?

ઈરાન પર હુમલો કર્યા પછી અમેરિકાને અંદાજ નહોતો કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને એવી રીતે બ્લોક કરી દેશે કે ત્યાંથી એકપણ જહાજ પસાર ન થઈ શકે. તમામ પ્રયાસો કરવા છતાં અમેરિકા આ રસ્તો ખોલાવી શક્યું નહીં. ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમને ઈરાનમાં સૌથી વધુ જો કંઈ રસ હોય તો તે છે તેનું તેલ, અને અમેરિકા ખાર્ગ ટાપુ પર કબજો જમાવી શકે છે.

Continues below advertisement
Continues below advertisement

ખાર્ગ ટાપુ ઈરાન માટે સોનાની ખાણ સમાન છે. ઈરાન તેના કુલ તેલની 90 ટકા નિકાસ માત્ર આ જ ટાપુ પરથી કરે છે. પર્સિયન ગલ્ફમાં આવેલા આ ટાપુના દરિયાઈ પાણી એટલા ઊંડા છે કે દુનિયાના સૌથી મોટા ઓઈલ ટેન્કરો પણ ત્યાં સરળતાથી લંગર નાખીને તેલ ભરી શકે છે. વળી, ભૌગોલિક રીતે તેનું લોકેશન એવું છે કે ઈરાન ત્યાં બેઠા બેઠા આખા પર્સિયન ગલ્ફની નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે અને પોતાના તેલ સપ્લાયને સુરક્ષિત કરી શકે છે.

ઈરાનના અર્થતંત્રની જીવાદોરી છે આ ટાપુ

માહિતી મુજબ, ઈરાને આ ખાર્ગ ટાપુ પર 40 થી વધુ મહાકાય સ્ટોરેજ ટેન્ક બનાવ્યા છે, જેમાં 30 થી 35 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરવાની ક્ષમતા છે. ઈરાન અહીંથી રોજના આશરે 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. જો ઈરાન આજે નવું તેલ કાઢવાનું સાવ બંધ કરી દે, તો પણ તે સતત 20 દિવસ સુધી અહીંથી તેલ વેચી શકે તેમ છે. જરૂર પડે તો ઈરાન રોજનું 7 થી 10 મિલિયન બેરલ તેલ પણ જહાજોમાં લોડ કરી શકે છે. ઈરાન આ તેલ વેચીને વાર્ષિક 80 બિલિયન ડોલરની કમાણી કરે છે, જે ઈરાન સરકારના કુલ ખર્ચના 40 ટકા જેટલો મોટો હિસ્સો છે. સાદી ભાષામાં કહીએ તો, ખાર્ગ ટાપુ એ ઈરાનની અર્થવ્યવસ્થાનું હૃદય છે.

ટ્રમ્પનું 1988 નું સપનું અને આજની વાસ્તવિકતા

ટ્રમ્પ માટે ખાર્ગ ટાપુ પર કબજો કરવાની વાત નવી નથી. 1988 માં જ્યારે તેઓ માત્ર એક ઉદ્યોગપતિ હતા, ત્યારે પણ તેમણે 'ધ ગાર્ડિયન' અખબારને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું ખાર્ગ પર કબજો કરીશ." એ સમયે ઈરાન-ઈરાક યુદ્ધ ચાલતું હતું અને અમેરિકામાં રોનાલ્ડ રીગનની સરકાર હતી. ત્યારે પણ ટ્રમ્પે નાટો દેશોની ટીકા કરતા પૂછ્યું હતું કે અમેરિકા હોર્મુઝમાં એવા જહાજોનું રક્ષણ કેમ કરી રહ્યું છે જે તેના પોતાના નથી. એ વખતે અમેરિકાના સપોર્ટથી ઈરાકે ખાર્ગ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો.

આજે ફરક માત્ર એટલો છે કે 1988 માં ટ્રમ્પ માત્ર બોલી શકતા હતા, આજે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આદેશ આપી શકે છે. આ જ કારણથી મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 40,000 થી વધારીને 50,000 થી વધુ કરી દેવામાં આવી છે. જેમાં 2,500 મરીન કમાન્ડો, 2,500 નવા ખલાસીઓ અને યુએસ આર્મીના 82મા એરબોર્ન ડિવિઝનના 2,000 પેરાટ્રૂપર્સને પણ તૈનાત કરાયા છે.

આટલી ફોજ હોવા છતાં જમીન પર ઈરાનનો સામનો કરવા માટે અમેરિકાને સાથી દેશોની જરૂર છે. ટ્રમ્પને પૂરી આશા હતી કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાની સેનાને ઈરાનમાં મોકલશે, પરંતુ ઈઝરાયલે સ્પષ્ટ ના પાડી દીધી છે કે તેમનો એકપણ સૈનિક ઈરાનમાં પગ નહીં મૂકે. નાટો દેશો તરફથી પહેલાથી જ કોઈ સપોર્ટ નથી, અને હવે ઈઝરાયલે પણ હાથ અધ્ધર કરી દેતા ટ્રમ્પ આ યુદ્ધના મેદાનમાં સાવ એકલા પડી ગયા છે. તેમનું 40 વર્ષ જૂનું સપનું હજુ પણ હકીકતથી ઘણું દૂર દેખાઈ રહ્યું છે.