Iran US Talk 2.0 update: અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણા (Talk 2.0) શરૂ થતા પહેલા જ પડી ભાંગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનથી નારાજ થઈને પોતાના પ્રતિનિધિમંડળની પાકિસ્તાન મુલાકાત અચાનક રદ કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે વાહિયાત વાતો સાંભળવા માટે 18 કલાકની લાંબી મુસાફરી કરવી બિલકુલ નકામી છે. બીજી તરફ ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું હતું, પરંતુ તેઓ પણ પાકિસ્તાની નેતાઓને પોતાની શરતો મૂકીને ત્યાંથી રવાના થઈ ગયા છે, જેનાથી હવે આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાની આશાઓ પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે.
આ શાંતિ બેઠક માટે અમેરિકા તરફથી ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના સલાહકાર તેમજ જમાઈ જેરેડ કુશનર ઈસ્લામાબાદ જવાના હતા. પરંતુ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર એક પોસ્ટ કરીને આ મુલાકાત કેન્સલ કરવાની જાહેરાત કરી દીધી. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "મેં થોડા સમય પહેલા જ મારા લોકોને કહી દીધું છે કે, ના... તમારે ત્યાં જવા માટે 18 કલાક ઉડાન ભરવાની કોઈ જરૂર નથી. અત્યારે તમામ પત્તા (કંટ્રોલ) આપણા હાથમાં છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આપણને ફોન કરી શકે છે, પરંતુ ત્યાં જઈને ફક્ત વાહિયાત વાતો સાંભળવા માટે 18 કલાકની મુસાફરી કરવી નિરર્થક છે."
બીજી બાજુ, ઈરાનનું વલણ પણ આક્રમક છે. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને અમેરિકાની માંગણીઓને 'વધુ પડતી' ગણાવી છે. આ મંત્રણા માટે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં એક ટીમ શુક્રવારે ઈસ્લામાબાદ પહોંચી હતી. તેમણે પાકિસ્તાની નેતાઓ સાથે મુલાકાત કરી અને યુદ્ધના સંપૂર્ણ અંત સહિતની પોતાની માંગણીઓનું લિસ્ટ સોંપીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
ઈસ્લામાબાદથી પરત ફર્યા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના ટેલિગ્રામ એકાઉન્ટ અને સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પાકિસ્તાનની આ મુલાકાતને ખૂબ જ સફળ ગણાવી છે. અરાઘચીએ કહ્યું કે, અમે ઈરાન પર લાદવામાં આવેલા આ યુદ્ધના કાયમી અને સંપૂર્ણ અંત માટે એક પ્રેક્ટિકલ માળખું રજૂ કર્યું છે અને ઈરાનનું સ્પષ્ટ વલણ જણાવી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે શું અમેરિકા ખરેખર કૂટનીતિ અને શાંતિ માટે ગંભીર છે કે કેમ.
