Donald Trump: વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં થયેલા ગોળીબારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા છે. ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને તેમની પત્ની સાથે હોટલમાં હાજર હતા. ગોળીબાર બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક ટ્રમ્પને એક ટેબલ નીચે છૂપાવી દીધા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. વાસ્તવમાં હિલ્ટન હોટલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. 2,600 થી વધુ લોકો હાજર હતા. હોટલમાંથી વીડિયો સામે આવ્યા છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ ઘટનાથી હોટલમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે.
પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પરના ફૂટેજ દર્શાવે છે કે ગોળીબારનો અવાજ સાંભળતાની સાથે જ સિક્રેટ સર્વિસના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. તેઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્ટેજ પરથી સુરક્ષિત રીતે ઉતાર્યા હતા અને તેમને સલામત સ્થળે લઈ ગયા. સુરક્ષા દળોએ મહેમાનોને SOS લાઇટથી પણ એલર્ટ કર્યા હતા.
મેલાનિયા ટ્રમ્પની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે
ગોળીબારનો અવાજ ડિનર હોલની ઉપરના રૂમમાંથી આવ્યો હતો. વીડિયોમાં મેલાનિયા ટ્રમ્પ ભીડમાં કંઈક જોઈને પરેશાન જોવા મળી રહ્યા છે. ગોળીબારનો અવાજ આવતાની સાથે જ હોલમાં હાજર મહેમાનોમાં નાસભાગ મચી ગઈ. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે ટેબલ નીચે છૂપાઈ ગયા હતા. હોટલ સ્ટાફ અને વેઈટરો બહાર દોડતા જોવા મળ્યા.
રોઈટર્સના એક ફોટોગ્રાફરે હોટેલમાં ચારથી છ મોટા વિસ્ફોટો સાંભળ્યા હોવાની પુષ્ટી કરી. ટ્રમ્પના એક સહાયક અને સીએનએનના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. આ ઘટના બાદ ટ્રમ્પે રાત્રિભોજન ફરીથી શેડ્યૂલ કરવાની જાહેરાત કરી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે રાત્રિભોજનમાં હાજર ઘણા અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ જે.ડી. વેન્સ, આરએફકે જુનિયર, ડગ બર્ગમ અને માર્કો રુબિયોને સલામતી માટે જમીન પર સૂવા કહ્યું અને બાદમાં તેમને બહાર કાઢ્યા. અન્ય કેબિનેટ મંત્રીઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
હોટલ ખાલી કરાવવામાં આવી
ગોળીબારના અહેવાલ મળતા જ વોશિંગ્ટન હિલ્ટન હોટલ ખાલી કરાવવામાં આવી હતી. પોલીસે હોટલની બહાર ઉભેલા લોકોને વિખેરાઈ જવા કહ્યું છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે હુમલાખોરનો હેતુ શું હતો અથવા તે હથિયાર સાથે હોટલના રૂમમાં કેવી રીતે ઘૂસવામાં સફળ રહ્યો.
