તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. આ દરમિયાન ભારતીય સેના અને NDRFની ટીમોએ તુર્કીમાં મોરચો સંભાળ્યો છે. ભારતીય સેનાએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર સતત ચાલી રહી છે. સાથે જ NDRFની ટીમોએ પણ બચાવકાર્ય શરૂ કરી દીધું છે. NDRFની ત્રણ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં ઈમારતોના કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહી છે.
સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તુર્કી અને સીરિયાની સરહદ નજીક હતું. આવી સ્થિતિમાં બંને દેશોમાં ભારે તારાજી સર્જાઈ છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 15000 લોકોના મોત થયા છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 12,391 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં 2,992 લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને દેશોમાં 11000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યા પણ 15000 થી વધુ છે.
ભારતે 'ઓપરેશન દોસ્ત' હેઠળ તુર્કીને ખાસ મદદ મોકલી છે. ભારતમાંથી NDRFની ત્રણ ટીમ બચાવ માટે તુર્કી પહોંચી છે. આ ટીમોમાં સ્પેશિયલ રેસ્ક્યુ ડોગ સ્ક્વોડ પણ સામેલ છે. આ સિવાય ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ તુર્કી પહોંચી છે.
ભારતીય સેનાએ હતાએ શહેરમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર સતત ચાલી રહી છે. એટલું જ નહીં એનડીઆરએફની ટીમો પણ બચાવ કાર્ય ચલાવી રહી છે. જો કે, ઠંડી અને હિમવર્ષાના કારણે તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
70 દેશો મદદ માટે આગળ આવ્યા
ભારત સહિત 70 દેશો મદદ કરી રહ્યા છે; ભારત સહિત 70 દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે મદદનો હાથ લંબાવ્યો છે. ભારત સરકારે તુર્કીના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરવા ગાઝિયાબાદ અને કોલકાતા બેઝથી NDRFની 3 ટીમોને તુર્કી મોકલી છે.
તુર્કીમાં 3000 ભારતીયો
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તુર્કીના ભૂકંપ પ્રભાવિત ભાગોમાં ફસાયેલા આ ભારતીયો સુરક્ષિત છે પરંતુ એક ભારતીય લાપતા છે. ભારત સરકાર તુર્કીમાં ગુમ થયેલા ભારતીયના પરિવારના સંપર્કમાં છે. ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયાની મદદ માટે ભારતે હાથ લંબાવ્યો છે. નોંધનીય કે તુર્કીમાં રહેતા ભારતીયોની સંખ્યા 3000 છે અને તમામ સુરક્ષિત છે.