Atlantic Council survey News: પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે જનતા જ નહીં સરકાર પણ ચિંતિત છે. પાકિસ્તાની રૂપિયો સતત ગગડી રહ્યો છે. પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ માટે ખાજાનો ખાલી થઈ રહ્યો છે અને આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. તેવામાં આંતરરાષ્ટ્રીય સર્વેમાં પાકિસ્તાનને લઈને ગંભીરઆશંકા વ્યક્ત કરવામાં આવી છે.


એટલાન્ટિક કાઉન્સિલના સર્વેમાં ઘણા લોકોનું માનવું હતું કે, આગામી 10 વર્ષમાં પાકિસ્તાનના અનેક ભાગલા થઈ શકે છે. એટલાન્ટિક કાઉન્સિલનો આ સર્વે પાકિસ્તાની રાજકારણીઓને પરસેવો પાડી શકે છે. કારણ કે, પાકિસ્તાનમાં અગાઉ ક્યારેય લોકશાહી સરકારો પોતાનો કાર્યકાળ પુરો કરી શકી નથી ત્યાં દેશની બાગડોર વારંવાર સૈન્ય-લશ્કરી સરમુખત્યારોના હાથમાં જતી રહી છે. શાહબાઝ શરીફ પહેલા પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી તે પણ કાર્યકાળ પુરો કરી શકી નથી.


ભ્રષ્ટાચાર-દરિદ્રતા, આતંકવાદ પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે


પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તેને તેની નાજુક અર્થવ્યવસ્થાને સંભાળવા માટે વિદેશી દેવાની જરૂર છે. જોકે તેના ઘણા નજીકના ઇસ્લામિક દેશો પણ લોન આપવા તૈયાર નથી અને પાકિસ્તાન આર્થિક મોરચે એકલુ પડી ગયું છે. આ સ્થિતિમાં મુશ્કેલીથી બચવા માટે પાકિસ્તાન સરકાર IMF પાસેથી લોન લેવા રીતસરનું ઘુંટડીયે પડ્યું છે ને નાક લીટી તાણી રહ્યું છે. પરંતુ હજી સુધી પાકિસ્તાનનો મેળ પડ્યો નથી. જો કે, IMF પણ તેને લોન આપતા પહેલા ઘણી શરતો સંતોષવા માંગે છે તેથી આ ડીલ પાકિસ્તાન માટે સંકટથી ભરેલી છે.


એટલાન્ટિક કાઉન્સિલ સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો


દરમિયાન, એટલાન્ટિક કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં રશિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશોને લઈને વિશ્વભરના લોકો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવ્યા હતા. સર્વેમાં આવેલા લોકોના જવાબોમાંથી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વે એવો હતો કે 2033માં દુનિયા કેવી હશે. લગભગ અડધા (46%) લોકોએ 2033 સુધીમાં રશિયાના સંભવિત પતન તરફ ધ્યાન દોર્યું, જે સૂચવે છે કે યુક્રેન સામે યુદ્ધ પૃથ્વી પરના સૌથી મોટા પરમાણુ શસ્ત્રોના શસ્ત્રાગાર સાથે અશાંતિ તરફ દોરી શકે છે.


આગામી દસ વર્ષમાં તૂટી શકે છે અફઘાન-પાકિસ્તાન!


બીજી બાજુ 10% લોકોનું માનવું છે કે, અફઘાનિસ્તાન આગામી દસ વર્ષમાં નિષ્ફળ રાજ્ય બની જશે. જ્યારે 8%એ પાકિસ્તાન માટે આ જ આગાહી કરી હતી અને 7% લોકોએ એવું માન્યું હતું કે અમેરિકાને પણ લગભગ આજ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. લગભગ 21% લોકોનું કહેવું છે કે, રશિયા આગામી દસ વર્ષમાં નિષ્ફળ રાજ્ય બની જશે, જે અફઘાનિસ્તાનની ટકાવારી કરતાં બમણા કરતાં વધુ છે.


રશિયા કરી શકે છે પરમાણુ હથિયારોનો ઉપયોગ 


સર્વેમાં 14% લોકોનું માનવું છે કે, રશિયા આગામી 10 વર્ષમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. આવનારા દાયકામાં દેશને રાજ્યની નિષ્ફળતા અને ભંગાણ બંનેનો અનુભવ થવાની અપેક્ષા રાખનારાઓમાં 22% માને છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ હવેથી દસ વર્ષ પછીના ઇતિહાસનો ભાગ હશે. જો કે, લગભગ 10% લોકો માનતા હતા કે કોઈપણ વર્તમાન નિરંકુશ દેશ આ સમયગાળાના અંત સુધીમાં લોકશાહી બની જાય તેવી સંભાવના છે.


લોકોએ ચીન-ભારત વિશે પણ ભવિષ્યવાણી કરી


સર્વેમાં લગભગ 6% લોકોનું કહેવું છે કે, ચીનનું પણ એવું જ ભાવિ થશે અને 1% લોકોએ ભારત માટે પણ એવું જ અનુમાન કર્યું છે.